Bharuch Crime News: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઇખરથી મેસરાજ જવાના માર્ગ પર કપાસના ખેતર નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક વૃદ્ધનો અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતાં આ મૃતદેહ ગામના જ 92 વર્ષીય મોહમ્મદ યુસુફ બાંડિયાનો હોવાનું ખુલ્યું હતું.
સગા પુત્રે પિતાની હત્યા કરી
આ પણ વાંચો
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આમોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી. કરમટિયા અને ભરૂચ એલ.સી.બી. (LCB) ની સંયુક્ત ટીમે તપાસ ચક્ર ગતિમાન કર્યા હતા. ગુનાનો ભેદ ઉકેલવા હાથ ધરેલી તપાસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મૃતકના 57 વર્ષીય સગા પુત્ર મુસ્તાક અલી પટેલની ધરપકડ કરી લીધી છે.
કેમ કરી પુત્રે પિતાની હત્યા?
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, મૃતક પિતા ગામમાં અન્ય લોકો પાસે નાણાં માંગતા હતા અને પુત્ર ખાવા-પીવાનું કે દવાનો ખર્ચ આપતો નથી તેવી ફરિયાદો કરતા હતા. આ ઉપરાંત, પિતા ગામમાં પુત્રને બદદુઆ આપતા હોવાથી. તેના કારણે થતી સતત બદનામીથી નારાજ થઈને પુત્રએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ગામમાં થતી બદનામી સહન ન થતાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો આરોપ છે.
જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ બાબત હાલ માત્ર તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી છે અને હત્યા પાછળના મુખ્ય કારણો તથા સમગ્ર ઘટનાક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આમોદ પોલીસે કાર્યવાહી કરી
સગા પુત્ર દ્વારા જ પિતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ધરપકડ થતાં પારિવારિક સંબંધોના કરુણ અંજામને લઈને ઇખર ગામ સહિત સમગ્ર ભરૂચ પંથકમાં અરેરાટી સાથે ભારે ચર્ચા જાગી છે. આમોદ પોલીસ હાલમાં બનાવ સ્થળની વિગતો અને અન્ય પુરાવા એકત્ર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.
