Bharuch News: ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મચાસરા ગામમાં એક કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રહેણાંક વિસ્તારમાં આવેલી એક ખુલ્લી ગટર માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ છે. બે વર્ષનો બાળક વિહાન શૈલેષ રાઠોડ અચાનક ગમતા-રમત ઘર નજીક ખુલ્લી રહેલી ગટરમાં ખાબકતાં તેનું અકાળે મોત નિપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો
મળતી માહિતી અનુસાર, મચાસરા ગામના સોસાયટી વિસ્તારમાં ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું જ પડ્યું હતું. રાત્રિના સમયે રમતા રમતા માસૂમ વિહાન અંધારામાં આ ખુલ્લી ગટરમાં પડી ગયો હોવાનું માનવામાં આવે છે. બાળક અચાનક ગુમ થઈ જતાં ચિંતાતુર બનેલા પરિવારજનો અને ગ્રામજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. કલાકોની ભારે મથામણ બાદ અંતે બાળકનો મૃતદેહ તે જ ખુલ્લી ગટરમાંથી મળી આવ્યો હતો.
બાળકને સારવાર માટે ખસેડાયો
માસૂમ વિહાનને ગટરમાંથી બહાર કાઢીને તુરંત જ રિક્ષા મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યો હતો. દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવા આવી પહોંચતાં તેને વધુ સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
બાળકનું મોત થતાં પરિવારમાં શોક
માત્ર બે જ વર્ષના માસૂમના અચાનક વિદાયથી રાઠોડ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના અશ્રુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. આ કરૂણ દુર્ઘટનાને કારણે મચાસરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર માહોલ ગમગીન બની ગયો છે.
