Vadodara: વડોદરાના શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે મનપાની ઢોર પકડવાની ટીમ દરરોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને રસ્તા પર રઝળતી ગાય અને આખલા સહિતના પ્રાણીઓને પાંજરે પુરી રહી છે. જો કે આજે શહેરના વારસિયા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જે CCTVમાં કેદ થઈ ગઈ છે.
હકીકતમાં આજે રસ્તા પર રખડતી ગાયોને પકડવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી વારસિયા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ઢોર પાર્ટીના કર્મચારી મહેશ પટેલ દ્વારા રખડતી ગાયને પકડવા માટે તેના ઉપર દોરડું ફેક્યું હતુ. જો કે દોરડાનો એક છેડો મહેશ પટેલના પગમાં ફસાઈ ગયો હતો. આ દરમિયાન અચાનક ઉપર દોરડું પડતું જોઈને ગાય વિફરી હતી અને દોટ મૂકી હતી. આ સમયે ગાયની સાથે બાંધેલ રસ્સી પણ ખેંચાતા મહેશ પટેલ પણ ગાયની પાછળ-પાછળ લગભગ અડધા કિલોમીટર સુધી ઢસડાયા હતા.
આ પણ વાંચો
આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર દોટ મૂકી રહેલી ગાય પોતાની પાછળ દોરડા સાથે ફસાયેલા મહેશ પટેલને પણ ઢસડતી જઈ રહી છે. આખરે સ્થાનિકો મદદ માટે આગળ આવે છે અને મહેશ પટેલને ગાયથી છૂટા પાડી રહ્યા છે.
Vadodara: વારસિયામાં વિફરેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ pic.twitter.com/7uVtCaAydw
— Gujarati Jagran (@gujaratijagran) October 9, 2025
આ ઘટનામાં મહેશ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહેશ પટેલને બરડા, હાથ અને પગ છોલાઈ ગયા હતા. જે બાદ ઢોર પાર્ટીના અન્ય કર્મચારીઓ તાત્કાલિક મહેશ પટેલને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે.
સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, વારસિયા સહિતના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ઉપદ્રવ વધ્યો છે. વાહન ચાલકો અને પગપાળા નાગરિકો માટે પણ આ ઢોર જોખમરૂપ બની રહ્યા છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું કે, ઢોર પકડવાની કામગીરી ચાલુ છે, પરંતુ ક્યારેક આવી અણધારી ઘટનાઓ સર્જાતી હોય છે.
આ ઘટનાએ મનપાની ઢોર પકડવાની પ્રક્રિયા અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે આવી કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા સાધનો સાથે જ કર્મીઓને મેદાનમાં ઉતારવા જોઈએ.
