VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈ અજીબોગરીબ પ્રકારનો વીડિયો ધ્યાને આવતા તે ઝડપથી વાયરલ થવા લાગે છે. આજના મોબાઈલ-ઈન્ટરનેટ યુગમાં પતિ-પત્નીની મજાક મસ્તીના વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે અત્યારે પતિ-પત્નીની માથાકૂટનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોને ઠીક, જે લોકો વીડિયો જોઈ રહ્યા છે, તેમને મજા પડી રહી છે.
હકીકતમાં પત્નીએ પોતાને ભાવતું શાક ના બનાવતા પતિ એટલો ગુસ્સે થઈ જાય છે અને આવેશમાં આવીને ગામમાં આવેલા સૌથી ઊંચા મોબાઈલના ટાવર પર ચડી જાય છે. સાવ નાની અમથી વાતમાં પતિએ તમાશો કરતાં ગ્રામજનો પણ જોવા ટોળે વળ્યા હતા. કેટલાક લોકો તો આ પતિની સરખામણી શોલે ફિલ્મના વીરુ સાથે કરવા લાગ્યા હતા. ઘણાં યુઝર્સે તો કોમેન્ટમાં લખ્યું પણ ખરું કે, આ તો વિરુંનો બાપ નીકળ્યો.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ઊંચા ટાવર પર ચડ્યો છે અને નીચે ઉતરવા જ નથી માંગતો. જ્યારે નીચેથી પસાર થતાં ગ્રામજનો અને રાહદારીઓ તમાશો નિહાળવા ટોળે વળી ગયા છે. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસને પણ મહામહેનતે પતિને સમજાવીને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર ઘટનાને નીચે ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા તે વાયરલ થવા લાગી હતી. આ સાથે જ યુઝર્સ તરેહ-તરેહની કૉમેન્ટો પણ કરવા લાગ્યા છે. આ વીડિયો જોઈને યુઝર્સને શોલે ફિલ્મનો તે જાણીતો સીન યાદ આવી ગયો, જેમાં ધર્મેન્દ્ર અર્થાત વિરું પાણીની ટાંકી પર ચડીને બસંતી સાથે લગ્ન કરવાની જિદ કરે છે.
