OMG News: 'ઈચ્છાધારી નાગ'ની વાતો તો આપણે બૉલિવૂડ ફિલ્મોમાં જ જોઈ હશે અને ક્યાંક-ક્યાંક વાંચી પણ હશો. જો કે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પતિએ પોતાની પત્ની રાત પડતાં જ ઈચ્છાધારી નાગ બનીને મને ડસવા દોડતી હોવાની ફરિયાદ કરતાં અધિકારીઓ પણ ચોંકી ગયા છે.
આજથી બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લોકોની ફરિયાદના નિવારણ માટે સંપૂર્ણ સમાધાન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉત્તર પ્રદેશના મહમૂદાબાદ તાલુકાનો લોધાસા ગામમાં રહેતો મેરાજ (45) પણ પહોંચ્યો હતો. જેણે જિલ્લા અધિકારી સમક્ષ ધ્રુસકે-ધ્રુસકે રડતા-રડતા પોતાની આપવીતી કહી સંભળાવી હતી.
મેરાજે અધિકારીને જણાવ્યું કે, 2023માં મારા લગ્ન રાજપુર પોલીસ મથકની હદમાં આવતા લાલપુર ગામમાં રહેતી નસીમુન (40) સાથે થયા છે. લગ્નના થોડા દિવસો બાદ જ રોજ રાત પડતા નસીમુન ઈચ્છાધારી નાગ બની જાય છે અને મારા પર હુમલો કર્યો છે. નસીમુન મને ડસવા માટે મારી પાછળ દોડે છે. એક વખત તો પત્નીએ મને દંશ પણ માર્યો હતો, પરંતુ પોતે જાગી જવાથી બચી ગયો હતો. પત્નીના કારણે પોતાની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે અને રાતે ઊંઘી પણ શકતો નથી. મહેરબાની કરીને સાહેબ, મને મારી પત્નીથી બચાવી લો.
પોલીસ મથકમાં પણ મામલો પહોંચી ચૂક્યો છે
અગાઉ પણ મેરાજ અને નસીમુને મહમુદાબાદ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. જો કે મેરાજનો આરોપ છે કે, પોલીસે પત્નીની ફરિયાદના આધારે એકતરફી કાર્યવાહી કરી છે. આખરે મારે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવવું પડ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત DM સહિતના અધિકારીઓએ મેરાજની વાતને ગંભીરતાથી સાંભળી, પરંતુ તેના ઈચ્છાધારી નાગ વાળા દાવાને લઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. જો કે DMએ આ સમગ્ર મામલે પોલીસને તપાસના આદેશ આપ્યા છે. પોલીસ તપાસમાં મેરાજના દાવાના તથ્યો, પત્ની નસીમુનની માનસિક સ્થિતિ અને ઘરકંકાશ સહિત અન્ય બાબતોની તપાસ કરવામાં આવશે. જો કે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કે ધરપકડ કરવામાં આવી નથી. ટૂંક સમયમાં પોલીસ નસીમુનની પૂછપરછ કરી શકે છે અને જરૂર જણાશે તો મેડિકલ કે સાઈક્રિયાટ્રિક કાઉન્સેલિંગ પણ કરવામાં આવી શકે છે.
