Surat: શહેરના ડુમસ વિસ્તારમાં ભીમપોર નજીક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ધોરણ 9માં ભણતા આ કિશોરો મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે બેકાબુ બાઈક ધડાકાભેર દિવાલ સાથે ભટકાયું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ તાપી જિલ્લાના ઉકાઈના વતની અને હાલમાં સુરતના ડુમસ સ્થિત ભાટિયા ફાર્મ પાસે રહેતા રોહિત દિલિપભાઇ કાથુડ માળીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય ભાઈ પરેશ ધો. 9માં અભ્યાસ કરતો હતો.
ગત 28 ફ્રેબુઆરીના રોજ પરેશ તેના મિત્ર મોગ્યા રવિદાસ કોકની અને તુષાર શેઠી સાથે સી.કે.પીઠાવાલા કોલેજથી ગવિયર ગામ જવાના રોડ ઉપર જઈ રહ્યા હતા. આ સમયે બાઈક ચલાવી રહેલા મોગ્યા કોકનીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલું બાઈક ભાટિયા ફાર્મના ગેટ પાસે આવેલ કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાયું હતી. જેથી બાઈક પરથી નીચે પટકાયેલા ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી.
આથી ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સારવાર દરમિયાન આજે તુષાર શેઠીએ પણ દમ તોડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં તુષાર પરિવારનો એકનો એક પુત્ર હતો. તુષાર તેના મિત્ર અમિતના જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો. જ્યાં કેક કાપ્યા બાદ ત્રણેય મિત્રો એક જ સ્પોર્ટ્સ બાઈક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને કાળનો ભેટો થઈ ગયો હતો.
