Vadodara: ખાડી સંકટથી વડોદરાના વેપારીઓ ચિંતિત, મશીનરીઓ સહિતનો માલ બંદર પર જ અટકી પડતાં મોટો આર્થિક ફટકો

ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો છે ઉપરથી શિપિંગ લાઈનોએ ભાડામાં 10 ગણો વધારો ઝીંકી દીધો છે. ક્રૂડ ઓઈલ અને કેમિકલના ભાવમાં ઉછાળો આવશે, તો સ્થિતિ વધુ સ્ફોટક બનશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Mar 2026 08:12 PM (IST)Updated: Tue, 03 Mar 2026 08:12 PM (IST)
vadodara-news-hormuz-crisis-hits-city-exporters-middle-east-trade-faces-2-month-halt
HIGHLIGHTS
  • મીડલ-ઈસ્ટમાં આયાત-નિકાસ બે મહિના સુધી ઠપ્પ રહેવાની ભીતિ
  • વેપારીઓ પાસે અત્યારે વેઈટ એન્ડ વૉચ સિવાય કોઈ વિકલ્પ નહીં

Vadodara: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા અમેરિકા ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના ઉદ્યોગો સુધી પહોંચી છે. મધ્ય ગુજરાત, ખાસ કરીને વડોદરાના એક્સપોર્ટ હબ પર યુદ્ધની અત્યંત ગંભીર અસર જોવા મળી રહી છે. કરોડો રૂપિયાનો માલ મધદરિયે અટવાયો છે અને શિપિંગ ભાડામાં તોતિંગ વધારો થતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

યુદ્ધના કારણે મધ્ય ગુજરાતમાંથી થતી નિકાસ અને આયાત હાલમાં ઠપ્પ થઈ ગઈ છે. વડોદરાના જાણીતા MSME ઉદ્યોગપતિ જલેન્દુ પાઠક આ સ્થિતિનો ભોગ બન્યા છે. તેમનો વોટર ટ્રીટમેન્ટ અને મશીનરીનો બિઝનેસ અત્યારે મુશ્કેલીમાં છે. મિડલ ઈસ્ટ મોકલેલી મશીનરીઓ બંદર પર જ અટકી પડી છે, જેના કારણે તેમને ભારે પોર્ટ ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે.

કરોડોના રોકાણ સામે વળતર મળવાનું તો દૂર, શિપિંગ કંપનીઓએ ઇન્શ્યોરન્સ બંધ કરી દેતા કામગીરી જ થંભાવી દીધી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ થતા મિડલ ઈસ્ટ જતો તમામ સામાન અટવાયો છે. શિપિંગ લાઈનોએ ભાડામાં 10 ગણો વધારો ઝીંકી દીધો છે. વડોદરાની જાણીતી પ્રકાશ ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીનો 120 દેશોમાં જતો બિઝનેસ અટકી પડ્યો છે. જે નિકાસ 25 દિવસમાં થતી હતી, તે માટે હવે 2 મહિનાની રાહ જોવી પડશે.

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સમીર ખેરા અને ઉદ્યોગપતિ મનીષ શાહના જણાવ્યા અનુસાર, જો ક્રૂડ ઓઇલ અને કેમિકલના ભાવમાં ઉછાળો આવશે તો સ્થિતિ વધુ સ્ફોટક બનશે. અત્યારે 'વેઇટ એન્ડ વોચ' સિવાય કોઈ વિકલ્પ નથી. કેમિકલ, ફાર્મા અને એન્જિનિયરિંગ ક્ષેત્રના તૈયાર માલના થપ્પા કંપનીઓમાં પડ્યા છે.

જો આ યુદ્ધનું જલ્દી નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્ર પર તેની ગંભીર અને લાંબાગાળાની અસરો વર્તાશે તે નક્કી છે. આ સાથે જ વડોદરાના અનેક નાના અને મોટા ઉદ્યોગકારો તેમજ વેપારીઓના બિઝનેસ પડી ભાંગશે, જેથી અનેક લોકોને નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તો પેટ્રોલ ડીઝલ સહિત ફ્યુઅલના ભાવમાં પણ વધારો થઈ શકે.