Surat Accident: સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની બહાર રાત્રિ દરમ્યાન સ્ટેજ અને મંડપ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમ્યાન અચાનક એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં મંડપમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં 3થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી.
કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના કારોબારી સભ્યની જાહેરાત માટે રાત્રિના સમયે આ સ્ટેજ બાંધવામાં આવી રહ્યું હતું, તે દરમ્યાન ત્યાં એક કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર મંડપ અને સ્ટેજ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મંડપ અને કારને નુકસાન થયું હતું.
કાર્યકર્તાઓએ કાર ચાલકને મેથીપાક આપ્યો
બીજી તરફ મંડપ તૈયાર કરી રહેલા ત્રણ કામદારો તેમજ સ્થળ પર હાજર એક ABVPના કાર્યકર્તાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકો અને કાર્યકર્તાઓએ કાર ચાલક અને તેના સાથીદારને પકડી લીધા હતા અને સ્થળ પર જ તેમને 'મેથીપાક' ચખાડ્યો હતો.
પોલીસે કાર્યવાહી શરુ કરી
ઘટનાને પગલે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કાર ચાલક રોડ પર કાર ચલાવતા શીખી રહ્યો હતો અને તે દરમિયાન નિયંત્રણ ગુમાવવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
