સુરત: નાનપુરામાં વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા, વાહનોને નુકસાન; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

ઘટના અંગે માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 02:29 PM (IST)Updated: Sat, 26 Sep 2026 02:29 PM (IST)
surat-nanpura-tree-collapse-3-people-trapped-vehicles-damaged-cctv-video
નાનપુરામાં વૃક્ષ ધરાશાયી

Surat News: સુરતના નાનપુરા દોતીવાલા બેકરી પાસે એક ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 3 લોકો અને ચાર જેટલા વાહનો પણ દબાઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ ઝાડ નીચે ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લીધા હતા.

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા દોતીવાલા બેકરી પાસે શાકભાજી માર્કેટ પાસે લોકોની અવરજવર હતી, તે દરમિયાન અચાનક એક ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ અચાનક ધરાશાયી થતા ત્યાં અફરાતફરી અને નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્યાં 3 લોકો દબાઈ ગયા હતા, તેમજ ત્યાં પાર્ક રહેલા 4 વાહનો પણ દબાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ ઝાડની અંદર દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લીધા હતા. ત્રણેય લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.

ફાયર વિભાગના જવાનોએ ટીમે કટર મશીન વડે વૃક્ષ કાપી દબાયેલા વાહનો બહાર કાઢ્યા અને બ્લોક થયેલો મુખ્ય રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. ઝાડ તૂટી પડવાનો ભયાનક લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડે છે.  જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.