Surat: સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખાસ ઝૂંબેશ સ્વરૂપે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે અઠવા લાઈન્સ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવ્યા હોય તેને હટાવવાની કામગીરી કોર્પોરેશનની ટીમ સાથે મળીને પોલીસે કરી હતી
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય અને અકસ્માતના બનાવો ના બને તે માટે સુરત ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો, ઓવર સ્પીડથી વાહન ચાલવતા વાહનો ચાલકો તેમજ આધેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સગરામપુરા પોલીસ ચોકીથી રુદરપુરા ઝીંગા સર્કલ તેમજ પાછળ આવેલ અન્ય ભાગોમાં જ્યાં ટ્રાફિકના અડચણરૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવ્યા હોય તેને હટાવવાની કામગીરી કોર્પોરેશનની ટીમ સાથે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી હતી
ટ્રાફિક DCP અમિતાબેન વાનાણીએ જણાવ્યું કે, શહેરમાં એવા રોડ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે કે જ્યાં લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે. તેમજ ભંગાર સહિતની ઘણી બધી વસ્તુઓ રોડ પર મૂકી દેવામાં આવે છે. જેના લીધે ટ્રાફિક પણ સર્જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.
આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય અને લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર કોટસફિલ રોડ અને ઝીંગા સર્કલ રોડ પર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે તેને તોડવાની કામગીરી કોર્પોરેશન સાથે સંકલનમાં રહીને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, આવી જ ડ્રાઈવ શહેરમાં જેટલા એવા રોડ છે કે, જ્યાં ગેરકાયદે દબાણો છે બિન વારસી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લીયર કરીને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે
