Surat: વસ્તી ગણતરી અને તેની તાલીમને લઈને પડી રહેલી ભારે હાલાકીના પગલે હવે શિક્ષકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે સુરતમાં શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ એકત્રિત થઈને વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોનો મુખ્ય આક્ષેપ છે કે, વહીવટી તંત્ર દ્વારા જે તાલીમ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે, તે તેમના રહેઠાણ અને શાળા કક્ષાએથી ખૂબ જ લાંબા અંતરે આવેલા છે. દૂર-દૂરના અંતરે આવેલા કેન્દ્રો પર પહોંચવામાં શિક્ષકોનો સમય અને ઇંધણ બંને વેડફાઈ રહ્યા છે.
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરત મહાનગરના સંગઠન મંત્રી ડો. દિનેશભાઈએ જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે શિક્ષકોને જે સ્થળની ફાળવણી કરવામાં આવી છે એમના રહેઠાણ અને સ્કૂલ ઘણાં દૂર-દૂર છે. કેટલાક કિસ્સામાં તો 20 કિલોમીટર સુધીનું અંતર છે. આટલા દૂર વસ્તી ગણતરી માટેની કામગીરી સોપવામાં આવી છે.
અત્યારે વિશ્વના દેશોની સાથે ભારત પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે. PM મોદીએ પણ જેમ બને તેમ ઓછું ઇંધણ વપરાય એ માટે અપીલ કરી છે. અમે અગાઉ 15 થી 20 દિવસ પહેલા પણ પત્ર લખીને જાણ કરી હતી કે, શિક્ષકો માટે તાલીમનું સ્થળ પણ રાંદેર ઝોનમાં રાખ્યું હતું. આટલે દૂરથી એક જગ્યાએ તાલીમ માટે બોલાવે છે.
4500 જેટલા શિક્ષકો હોવાથી અમે એમને એવી વાત કરી કે, અગાઉ બે તાલીમ થઇ ચુકી છે. હવે પછીની તાલીમનું સ્થળ જે-તે ઝોનમાં રાખીશું. આમ છતાં તાલીમનું સ્થળ પણ બદલવામાં આવ્યું નથી.
આગામી 1 તારીખથી વસ્તી ગણતરી શરુ થઇ રહી છે, ત્યારે લીંબાયત ઝોનના શિક્ષકો વરાછા, સચિન, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લીંબાયતમાં આવી રીતે બધા બ્લોકની ફાળવણી થઇ છે. અમારી એવી માંગણી છે કે, દરેક શિક્ષકને સ્કૂલ અથવા રેસિડેન્સ નજીક ફાળવવામાં આવે જેથી ઇંધણ અને સમયની બચત થાય અને બાળકોને શિક્ષણ માટે પણ વધારે સમય આપી શકે.
મહાસંઘની મુખ્ય માંગણીઓ
ઇંધણ બચત માટે તમામ શિક્ષકોને અને ખાસ કરીને મહિલા શિક્ષકોને ફરજિયાતપણે તેમના ઘર અથવા શાળાની નજીકના વિસ્તારો જ ફાળવવામાં આવે.
સિંગલ મધર, ગર્ભવતી બહેનો, સ્તનપાન કરાવતી માતાઓ, વયોવૃદ્ધ આશ્રિતો ધરાવતી મહિલાઓ, ગંભીર બીમારીથી પીડાતા અને નિવૃત્તિ આડે ૧ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને વસ્તી ગણતરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી.
એક શિક્ષકને માત્ર એક જ બ્લોકની કામગીરી સોંપવી અને વધારાના બ્લોક રદ્દ કરવા. તેમજ BLO તરીકે સઘન કામગીરી કરતા શિક્ષકોને વસ્તી ગણતરીમાંથી મુક્તિ આપવી.
નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર હોવાથી શાળાના બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે માત્ર ૫૦% સ્ટાફને જ વસ્તી ગણતરીમાં લેવો. બાકીનો સ્ટાફ શાળામાં પ્રવેશ પ્રક્રિયા, CTS અપડેશન, UDISE+ ડેટા એન્ટ્રી અને પુસ્તકો-યુનિફોર્મ વિતરણ જેવી કામગીરી સંભાળી શકે.
વસ્તી ગણતરીની Census Mobile App ચલાવવા માટે એન્ડ્રોઇડ 12.0 કે તેથી ઉપરનું વર્ઝન અને 4 GB રેમ હોવી અનિવાર્ય છે. ઘણા કર્મચારીઓ પાસે આવા મોંઘા સ્માર્ટફોન ન હોવાથી, સરકારે પોતે જ જરૂરી ટેકનિકલ સુવિધાવાળા મોબાઈલ કે ટેબ્લેટ પૂરા પાડવા જોઈએ.
