GT Vs RCB : IPL ફાઈનલ જોવા સ્ટેડિયમ કેવી રીતે પહોંચશો? ઘરેથી નીકળતા પહેલા મેટ્રો, AMTS અને BRTSની ખાસ વ્યવસ્થા જાણી લો

મેચ પતે તે પછી ક્રિકેટ ફેન્સને ઘર સુધી પહોંચાડવા માટે સાડા નવ વાગ્યાથી દોઢ વાગ્યા સુધી AMTS-BRTS બસો તેમજ સવા 12 સુધી મેટ્રો મળી રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 May 2026 06:59 PM (IST)Updated: Sat, 30 May 2026 07:16 PM (IST)
how-will-you-reach-the-stadium-to-watch-the-ipl-2026-gt-vs-rcb-final-ecial-arrangements-of-metro-amts-and-brts
AI Image
HIGHLIGHTS
  • ક્રિકેટ ફેન્સ માટે AMTS અને BRTSની 130 બસો ફાળવવામાં આવી
  • મેટ્રો ટ્રેનમાં ક્રિકેટ રસિકો માટે 50 રૂપિયામાં સ્પેશિયલ ટિકિટ

GT Vs RCB Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 31 મેના રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને અત્યારથી અમદાવાદ ક્રિકેટમય બની ચૂક્યું છે.

GT અને RCB વચ્ચેનો ખરાખરીનો જંગ નિહાળવા માટે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી પહોંચવાના છે. ક્રિકેટ ફેન્સને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી બચાવવા તેમજ સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

AMTS અને BRTSની 130 બસો ફાળવવામાં આવી

શહેરમાં પરિવહન વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે AMTS અને BRTS દ્વારા બસ સેવાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. AMTS દ્વારા શહેરના 15 વિવિધ રૂટ પર 130 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસો શહેરના વિવિધ વિસ્તારોમાંથી સીધી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની સેવા પૂરી પાડશે. મેચ બાદ પ્રેક્ષકોને ઘરે પહોંચાડવા માટે રાત્રે 9:30 વાગ્યાથી વિશેષ બસો શરૂ થશે, જે મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.

બીજી તરફ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા પણ વધારાની તૈયારીઓ કરવામાં આવી છે. હાલમાં સ્ટેડિયમ રૂટ પર 36 બસો કાર્યરત છે, પરંતુ ફાઈનલ મેચના ભારણને પહોંચી વળવા માટે 16 નવી બસો ઉમેરીને કુલ 52 બસો દોડાવવામાં આવશે.

આ બસો માટે ઇસ્કોન, એરપોર્ટ, વિસત જંક્શન, નારોલ અને નેહરુનગર જેવા મહત્વના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ઓપરેશનને સરળતાથી ચલાવવા માટે એ.જે.એલ. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત રહેશે.

મેટ્રો ટ્રેનના સમયમાં વધારો અને 50 રૂપિયામાં સ્પેશિયલ ટિકિટ

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે પણ ખુશખબર છે. GMRC દ્વારા મેચના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરીને મધ્યરાત્રિના સાડા બાર વાગ્યા સુધી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ પ્રેક્ષકો મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી APMC, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ સુધીના બંને કોરિડોર પર મુસાફરી કરી શકશે. ગાંધીનગર તરફ જવા માટે પણ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11:40 અને 12:10 વાગ્યે વધારાની ટ્રેનો ઉપલબ્ધ રહેશે.

મુસાફરોને ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા ન રહેવું પડે તે માટે 50 રૂપિયાના ફ્લેટ રેટ પર 'સ્પેશિયલ પેપર ટિકિટ' બહાર પાડવામાં આવી છે. આ ટિકિટનો ઉપયોગ કરીને મોટેરા અથવા સાબરમતીથી અમદાવાદના કોઈપણ મેટ્રો સ્ટેશન સુધી જઈ શકાશે.

આ સ્પેશિયલ ટિકિટ મેચના દિવસે કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ અને મોટેરા જેવા મુખ્ય સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે. નોંધનીય છે કે રાત્રે 10:00 વાગ્યા પછી પ્રવેશ માટે માત્ર આ સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.

જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ

પ્રશાસન દ્વારા દર્શકોને અંગત વાહનોને બદલે જાહેર પરિવહન જેવી કે મેટ્રો અને બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આનાથી સ્ટેડિયમની આસપાસ થતી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાશે અને દર્શકો કોઈ પણ ખલેલ વગર ફાઈનલ મેચનો આનંદ માણી શકશે. સ્ટેડિયમ નજીકના મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન જેવા પોઈન્ટ્સ પર ખાસ બસ સ્ટોપ અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.