GT VS RCB Final: આવતીકાલે એટલે કે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. જેમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે મુકાબલો થશે. આ બન્ને ટીમો એક-એક વાર IPLનો ખિતાબ જીતી ચૂકી હોવાથી, આવતીકાલની મેચમાં ખરાખરીનો જંગ જામશે તે નક્કી છે. એવામાં ફાઈનલ મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
43 ડિગ્રી ગરમીમાં લોકો ફાઈનલની ટિકિટ મેળવવા માટે પહોંચ્યા
IPLની ફાઈનલ મેચ જોવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવી રહ્યા છે. જે લોકોએ અગાઉથી ઑનલાઈન ટિકિટ બુક કરાવી હતી, તેમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટ બારી પરથી પોતાનું આધાર કાર્ડ ચેક કર્યાં બાદ ફિઝિકલ ટિકિટ આપવામાં આવી રહી છે. જેથી લોકો મોટી સંખ્યામાં આધારકાર્ડની કૉપીઓ લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
ઑનલાઈન ટિકિટ બુક કરાવનારાને સમસ્યા
ઘણાં ક્રિકેટ ફેન્સે ઑનલાઈન ડિસ્ટ્રીક્ટ એપ્લિકેશન પર ટિકિટ બુક કરાવી હતી, તેમણે કેટલીક સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો છે. એપ્લિકેશન પર તેમની ઑનલાઈન ટિકિટ બુક બતાવી રહી છે, પરંતુ જ્યારે તેઓ સ્ટેડિયમમાં આધારકાર્ડ લઈને પહોંચ્યા, ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે, તમારી ટિકિટ બુક જ નથી થઈ. જો કે તેમના પૈસા કપાઈ ગયા હતા.
IPL ફાઈનલ પૂર્વે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે બંદોબસ્તનું રિહર્સલ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPLની દિલધડક ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મહામુકાબલાને પગલે સુરક્ષા વ્યવસ્થા લોખંડી રાખવા માટે અમદાવાદ પોલીસ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે.મેચ દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે આજે (30 મે) સ્ટેડિયમ ખાતે એક ખાસ બંદોબસ્ત રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર જાતે કરશે નિરીક્ષણ
આ સુરક્ષા રિહર્સલની ગંભીરતાને જોતા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પોતે આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુલાકત લેશે. તેઓ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને ક્રાઉડ મેનેજમેન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરશે અને પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે.
