Surat: કિર્તી પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા કૉન્સ્ટેબલ ગીરના રિસોર્ટમાંથી ઝડપાઈ, લીવ-ઈન પાર્ટનર પાસેથી કરોડોની ખંડણી વસૂલવાનો આરોપ

વિવાદિત ટિકટૉક સ્ટાર કીર્તિ પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલની પૂણા પોલીસે સાસણગીરના એક રિસોર્ટમાંથી ધરપકડ કરી છે. તેના પર લિવ-ઈન પાર્ટનર પાસેથી રૂ. 3.12 કરોડની ખંડણી વસૂલવાનો આરોપ છે, જેમાં પત્નીનો વીડિયો વાયરલ કરવા અને રેપ કેસમાં સેટલમેન્ટની ધમકી આપીને પૈસા પડાવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Oct 2026 08:27 PM (IST)Updated: Sun, 04 Oct 2026 08:27 PM (IST)
surat-news-suspended-female-cop-nayana-baraiya-arrested-from-gir-resort-in-rs-312-cr-extortion-case

Surat: સુરતની વિવાદિત ટિકટોક સ્ટાર કિર્તી પટેલની સાથીદાર અને ખંડણીના ગુનામાં લાંબા સમયથી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા આખરે પોલીસ સકંજામાં આવી ગઈ છે. પૂણા પોલીસની ટીમે લોકેશન ટ્રેસ કરીને નયના બારૈયાની સાસણગીરથી ધરપકડ કરી છે.

નયના બારૈયાએ કીર્તિ પટેલ સાથે મળીને લિવ ઈન પાર્ટનર પાસેથી રૂ. 3.12 કરોડ પડાવ્યા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગરના સિહોર પંથકની વતની નયના બારૈયા (33) ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગત 12 જુલાઈના રોજ ભાવનગરના સરપંચના પતિ રાજુભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જો કે સબંધો વણસતા નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને નાણાં પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો.

પત્નીનો વીડિયો વાયરલ ના કરવા અને રેપ કેસના સેટલમેન્ટના નામે દોઢ વર્ષમાં નયના અને કીર્તિએ રાજુભાઈ પાસેથી ટૂકડે-ટૂકડે 3.12 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

ગત 5 જૂનના રોજ કિર્તી પટેલે રાજુભાઈને ફોન પર ગંદી ગાળો ભાંડી હતી. કીર્તિ પટેલ અને નયના બારૈયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજુભાઈ સામે ગંભીર આક્ષેપ કરતાં અપમાનજનક વીડિયો મૂક્યા હતા. આ કેસમાં પુણા પોલીસે ખંડણી અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ બાદ કીર્તિ પટેલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવ્યું હતુ. તેમજ 30 જુલાઈએ જૂનાગઢથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સોનલ બારૈયા સતત પોલીસને થાપ આપતી આવી હતી.

પોલીસ પકડથી બચવા માટે નયના બારૈયાએ પોતાનો મોબાઈલ સ્વિચ ઑફ કરી દીધો હતો. તેમજ તે રાજસ્થાનના અલગ-અલગ સ્થળે છુપાતી ફરતી હતી. આ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે નયના બારૈયા સાસણગીરના રિસોર્ટમાં છુપાઈ હોવાની બાતમી મળી હતી. જેના આધારે પુણા પોલીસે મોડી રાતે રિસોર્ડમાં રેડ પાડીને નયનાને ઝડપી પાડી હતી.

નયના સામે 12 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા.

સંબંધોમાં તિરાડ પડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને રાજુભાઈ પાસેથી નાણાં પડાવવાનું કાવતરું રચ્યું હતું. પત્નીનો વીડિયો વાયરલ ન કરવા બાબતે ધાકધમકી આપી તેમજ રેપ કેસના સેટલમેન્ટના નામે ₹12 લાખ સહિત દોઢ વર્ષમાં રાજુ ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.