Surat: ભાઠેનામાં પતંગ ચગાવી રહેલા બાળક પર બે ડાઘિયા શ્વાનોનો હુમલો, 30થી વધુ બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યો

માતા-પિતા જમતા હતા, ત્યારે પુત્ર ઉભો થઈને પતંગ ચગાવવા ગયો, ત્યારે જ ટ્રેક્ટર નીચે સૂતેલા બે કૂતરાઓએ હુમલો કરી દીધો. દોડી આવેલા સ્થાનિકોએ માંડ-માંડ કૂતરાની ચુંગાલમાંથી છોડાવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Dec 2025 07:11 PM (IST)Updated: Wed, 03 Dec 2025 07:11 PM (IST)
surat-news-stray-dogs-attack-on-child-while-he-fly-kite-at-bhathena
HIGHLIGHTS
  • કૂતરાઓએ બાળકને માથામાં બચકાં ભરીને 4 ઈંચનો ચીરો પાડી દીધો

Surat: સુરત શહેરમાં વધુ એક વખત બાળક પર શ્વાને હુમલો કરીને બચકાં ભર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ભાઠેના વિસ્તારમાં પતંગ ચગાવી રહેલા 6 વર્ષના બાળક પર બે શ્વાનોએ હુમલો કરીને 30થી વધુ બચકાં ભર્યા હતા. જેમાં બાળકના માથા, કમર અને ગળાના ભાગે ઈજા થતા સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગુરુભાઈ નિનામા ટ્રેકટરમાં કાટમાળ સહિતનો કચરો લેવાનું કામ કરી પત્ની અને બે સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવ છે.

મંગળવારે બપોરના સમયે ગુરુભાઈ તેની પત્ની નિર્મલા તેમજ 6 વર્ષીય પુત્ર અર્જુન સાથે કચરો ખાલી કરવા માટે ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવ્યો હતો. જ્યાં કચરો ખાલી કર્યા બાદ જમવા માટે બેઠા હતા.

થોડીવારમાં તેમનો દીકરો અર્જુન જમીને ઊભો થઈને પતંગ ચગાવવા લાગ્યો હતો. આ સમયે ટ્રેકટરની નીચે બે કૂતરા સૂતા હતા, જેઓએ અર્જુન પર હુમલો કરી દીધો હતો.

અર્જુનની બૂમાબૂમ સાંભળીને માતા-પિતા સહિતના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાઓની ચુંગાલમાંથી અર્જુનને માંડમાંડ છોડાવી રિક્ષામાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને ઈમરજન્સીના પ્રાથમિક સારવાર આપ્યા બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં કૂતરાએ અર્જુનને માથા, ગળા, કમર અને જાંઘના ભાગે 30થી વધુ બચકાં ભર્યા છે. જે પૈકી માથામાં 4 ઈંચનો ચીરો પડી ગયો છે.