Surat: અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા ખૂની હુમલાના સુરતમાં પડઘા, સ્કૂલોમાં વાલીઓના પ્રવેશ માટે ગાઈડલાઈન જારી કરવાની માગ

સરસ્વતીના મંદિરની ગરિમા ના જોખમાય, વિદ્યાર્થીઓ ભયનો માહોલ ના અનુભવે, શિક્ષકો પણ ડરે નહી તે માટે આવી ઘટનાઓ ના બને તેના માટે કાયદાઓની જોગવાઈની માગ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 04:50 PM (IST)Updated: Wed, 02 Jul 2025 04:50 PM (IST)
surat-news-self-reliant-school-management-board-protest-for-parents-attack-on-ahmedabad-teacher
HIGHLIGHTS
  • શાળા સંચાલક મંડળે જિલ્લા કલેક્ટર અને DEOને આવેદન આપ્યું
  • તમામ સ્કૂલોમાં સલામતી માટે અસરકાર વ્યવસ્થા કરવામાં આવે

Surat: અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષક પર છરી વડે થયેલા હુમલાની ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. સુરત શહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને અપાયેલા આવેદન પત્રમાં માંગણીઓ કરવામાં આવી હતી કે, જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે. શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં સુરક્ષા કર્મીઓ અને CCTV દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમીનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલાની એસઓપી બહાર પાડવામાં આવે.

હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલા લેવામાં આવે, શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનૂની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઉભી કરાવવામાં આવે. તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત માનવતા અને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાલીમાત્મક પ્રવુતિઓ યોજવામાં આવે સહીતની માંગ કરવામાં આવી હતી

સુરત સ્વનિર્ભર શાળા સંચાલક પ્રવક્તા ડો.દીપકભાઈ રાજગુરુએ જણાવ્યું કે, અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં શાળાઓમાં એવી બધી ઘટનાઓ બની છે કે, જેમાં જીવલેણ હુમલો થયો છે ઘાતકી હત્યા થઈ જાય તેવો હુમલો થયો છે. અમદાવાદમાં 3 દિવસ પહેલા શિક્ષક ઉપર એક વાલીએ છરી વડે હુમલો કરી દીધો. વાલી ઉશ્કેરાઈ ગયા તો આટલી હદે હથિયાર લઈને શાળામાં પ્રવેશ કરવો, શિક્ષકો ઉપર આવો હુમલો કરવો જેને અમે વખોડી કાઢીએ છીએ. DEO અને કલેકટરના માધ્યમથી સરકાર પાસે માંગણી મુકીએ છીએ કે, કોઈ કાયદો બનાવવામાં આવે જેથી શાળાઓમાં આવા હુમલાઓને અટકાવી શકાય અને કદાચ કોઈ આવું કરે તો તેની ઉપર સખ્ત સજા કરવામાં આવે અને કાયદાઓની નવી જોગવાઈઓ અમલમાં મુકવામાં આવે

વધુમાં જણાવ્યું હતું કે, સરસ્વતીના મંદિરની ગરિમા જોખમાય નહી, વિદ્યાર્થીઓ ભયનો માહોલ ના અનુભવે, શિક્ષકો કર્મચારીઓ પણ ડરે નહી તેના માટે આવી ઘટનાઓ ના બને તેના માટે કાયદાઓની જોગવાઈ માટેની માંગણી લઈને અમે આવ્યા છીએ. શિક્ષક અને વિદ્યાર્થીનો અતુટ સબંધ છે એકબીજાની પ્રત્યે ખુબ લાગણીથી એકબીજા સાથે રહેતા હોય, પરંતુ કોઈ વાલી કોઈ બીજા કારણોસર હતાશ નિરાશામાં હોય અને તેનો ગુસ્સો કોઈ શાળામાં આવીને નાની એવી બાબતમાં ઠાલવે તે અયોગ્ય છે શાળાને કોઈ પણ લાંછન લાગે તે સાંખી લેવામાં આવશે નહી