Surat: આજથી બે દિવસ અગાઉ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI ઉર્વશી મેંદપરાએ પટેલ સમાજમાં વધી રહેલા દારૂના દૂષણને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ મહિલા PSIની વાત સાથે સહમત થઈ રહ્યા છે.
આ અંગે સુરત સ્થિત હરેકૃષ્ણા ડાયમંડના ચેરમેન અને પાટીદાર અગ્રણી સવજી ધોળકિયાએ જણાવ્યું કે, આપણા સદ્ધર સમાજ માટે આ બાબત શરમજનક ગણાય. આપણી દીકરીઓ પણ ડ્રિન્ક્સ કરતા પકડાય છે. આપણું શરીર, સત્તા અને સંપત્તિ સમાજના ભલા કામ માટે હોય છે, પરંતુ આવા કૃત્યથી ભગવાન પણ માફ નહીં કરે. સમાજના યુવાનોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ.
બીજી તરફ મહિલા PSIની વાતમાં સુર પુરાવતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું કે, ઘણાં યુવાનો વ્યસન તરફ વળ્યા છે, તે વાસ્તવિક્તા છે. હવે આપણે જાગૃત થવાની જરૂર છે.
જ્યારે અન્ય એક પટેલ સમાજના અગ્રણી મયુર સવાણીએ જણાવ્યું કે, મહિલા PSIએ વાસ્તવિક સ્થિતિ જ જણાવી છે, તે બદલ તેમને અભિનંદન આપવા જોઈએ.
અગાઉ સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે પણ મહિલા PSIના નિવેદનને અતિશયોક્તિ ગણાવીને જણાવ્યું હતું કે, સમાજને જે ચેતવણી આપવામાં આવી છે, તે યોગ્ય જ છે. જો કે મહિલા PSI દ્વારા જે પીધેલાની ટકાવારી જાહેર કરવામાં આવી, તે યોગ્ય નથી. પાટીદાર સમાજ ક્યારેય કોઈ વ્યસનને પ્રોત્સાહન નથી આપતો.
હકીકતમાં સરથાણાના PSIએ પટેલ સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે, જ્યારે અમે રાતે પીધેલા પકડવા જઈએ અને 15 પીધેલાને પકડીએ, તો તેમાંથી 10 પટેલ સમાજના હોય છે. સાયબર ફ્રોડના કેસોમાં પકડાતા પણ અડધોઅડધ પટેલ સમાજના હોય છે. પાટીદાર સમાજના યુવાનો અવળા રસ્તે ચડીને શું કામ પતનના માર્ગે જઈ રહ્યા છે?
