મહિલા PSIના નિવેદન પર ગોપાલ ઈટાલિયા ભડક્યા, કહ્યું- 'જ્ઞાન આપવાનો કીડો કરડી ગયો હોય તો પણ બોલતા પહેલા ધ્યાન રાખીએ'

ઈટાલિયાએ હર્ષ સંઘવીને વિનંતી કરી કે, ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, તે આ મહિલા PSIને ખબર છે. તેમને પકડીને તેમની ઈન્ક્વાયરી કરવી જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Feb 2025 06:07 PM (IST)Updated: Fri, 14 Feb 2025 06:07 PM (IST)
surat-news-aap-leader-gopal-italia-reply-on-sarthana-psi-urvashi-mendpara-statment-on-patel
HIGHLIGHTS
  • અમે દારૂ પીધેલા પકડીએ, તો 50 ટકા પટેલ સમાજના: મહિલા PSI

Surat: તાજેતરમાં સુરતમાં સૌરાષ્ટ્ર લેઉવા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સરથાણાના મહિલા PSIએ પાટીદાર સમાજમાં દારૂના વ્યવસનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયામાં PSI ઉર્વશી મેંદપરાનો વીડિયો વાયરલ થતા લોકોની પ્રતિક્રિયા પણ સામે આવવા લાગી છે. જેમાં પાટીદાર સમાજના કેટલાક લોકો મહિલા PSIની વાતનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમના નિવેદનને અતિશયોક્તિ ગણાવી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ મહિલા PSIના નિવેદનની ટીકા કરી કરી છે.

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, સમાજ વ્યસન મુક્ત હોવો જ જોઈએ. જો કે સરકારી માણસોને સમાજને જ્ઞાન આપવાનો રોગ લાગ્યો છે. જે લોકોને આવી નાની અને ફાલતું નોકરી મળી જાય, તે પછી તેમને સમાજને જ્ઞાન આપવાનો કીડો કરડી જાય છે. તમે તમારી ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી શકતા નથી, તો પછી સમાજને જ્ઞાન શું કરવા આપો છો?

મહિલા PSIનું નિવેદન ગેરસમજભર્યું અને પટેલ સમાજ વિશે લોકોમાં નકારાત્મક્તા ફેલાય તેવું છે. તમે સરથાણા જેવા વિસ્તારમાં નોકરી કરો છો, જ્યાં 90 ટકા પટેલોની વસ્તી છે. અહીં 25 લાખથી વધુ પટેલોની વસ્તીમાંથી 10 છોકરા દારૂ પીધેલા પકડાય, તો એ પટેલ સમાજના હોય તેવી સંભાવના છે. જેના કારણે તમારે સમગ્ર પટેલ સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી.

સરકારી નોકરી મળી એટલે સમાજને જ્ઞાન આપવાનો ધંધો ખોલ્યો છે. જો આજ PSI અમદાવાદના સેટેલાઈટ કે શાહપુર વિસ્તારમાં નોકરી કરતાં હોત, તો ત્યાં એક પણ પટેલનો દીકરો દારૂ પીધેલો નહીં પકડાય. જો એવું જ હોય, તો તમે તમારી બદલી સરથાણામાંથી સુરતના લિંબાયત, ઉધના કે ડિંડોલી જેવા પોલીસ સ્ટેશનમાં લઈ લો. જ્યાં તમને એક પણ પટેલનો દીકરો દારૂ પીધેલો પકડાય તો મને કહેજો.

વધુમાં ગોપાલ ઈટાલિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરતાં જણાવ્યું કે, ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, તે આ મહિલા PSIને ખબર છે. તેમને પકડીને તેમની ઈન્ક્વાયરી કરવી જોઈએ.

પટેલ સમાજને ઉપદેશ આપવા માટે સમાજના રાજકીય નેતા, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક નેતાઓ છે. સરકારની ગુલામી કરનારા સરકારી કર્મચારીઓએ સમાજને સંદેશો આપવાની જરૂર નથી.