Rajkot: રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડીયા મહાનગર પાલિકાની કાર લઇને મહાકુંભમાં સ્નાન કરવા જતા સર્જાયેલ વિવાદ હવે ભાજપના આંતરિક વિખવાદમાં પલટાઇ રહ્યો છે. ખુદ મેયરે આ વિવાદ ચગાવવા પાછળ કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી સનસનાટી મચાવી દીધી છે. મહાકુંભમાંથી સ્નાન કરીને આવ્યા બાદ મેયરે કારનુ કિલોમીટરના રૂા.12 લેખે ભાડું ચૂકવી દીધાનું જણાવ્યુ હતું. આ સાથે જ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કિલોમીટરે રૂ.2 વસૂલવાનો કોઇ પરિપત્ર છે જ નહીં, આ બાબત માત્ર મને બદનામ કરવા માટે જ ઉછાળવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન નયનાબેન પેઢરીયાએ પોતાને બદનામ કરવા કે, વિવાદ ઉભો કરવા પાછળ કોઇનુ નામ આપ્યુ નહતુ, પરંતુ પોતે આ બારામાં પાર્ટીના હાઇકમાન્ડ સમક્ષ ફરિયાદ કરશે તેવુ જણાવીને પાર્ટીના જ નેતાઓ પાછળ પડયા હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો હતો.
Rajkot: વેલનાથપરામાં રિક્ષા ચાલકનો આપઘાત, ગૃહક્લેશથી કંટાળી સાતમા માળેથી પડતું મૂકી આયખું ટૂંકાવ્યું
મહાનગર પાલિકાની કાર લઇને કુંભમાં સ્નાન કરવા જવાની બાબતને મેયર નયનાબેન પેઢડીયાએ કાયદેસર ગણાવી હતી અને પોતે નિયમ મુજબ મ્યુનિ.કમિશનરની મંજૂરી લઇને જ ગયા હોવા છતા આ વિવાદ ઉભો કરવા પાછળ તેમણે કાવતરાની શંકા વ્યકત કરી હતી. બે રૂપિયે કિલોમીટરના ભાડાથી કોર્પોરેશનની કાર લઇ જવા બાબતે મેયર નયનાબેન પેઢડીયાએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, બે રૂપિયે કિલોમીટરની કોઇ વાત જ નથી: ઠરાવમાં જે ભાવ નક્કી કર્યુ છે તે મુજબ મે ભાડું પણ ભરી દીધુ છે.
જો કે, પ્રદેશમાં રજૂઆત બાબતે મેયરે વાત ગોળગોળ ફેરવી હતી અને જણાવ્યુ હતુ કે, પ્રદેશમાંથી મને પૂછવામાં આવશે તો હું ચોક્કસ બધા જવાબો આપીશ અને રજૂઆત કરીશ.
મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું કે, મને TRP ગેમઝોન બાદ બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કુંભ મેળામા સરકારી ગાડીનો ઉપયોગ અંગે પણ મારા પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ હું મંજુરી લઇને પછી જ સરકારી ગાડી લઇને ગઇ હતી અને જેનો જે બિલ આવ્યું છે તે મેં ભરી પણ દીધુ છે. આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ.
નયનાબેને કહ્યું કે, હું મહિલા મેયર છું છતાં એક સ્ત્રીની ગરીમા જાળવણી કરવામાં આવતી નથી. આ મામલા માટે કોઈનું નામ આપવું નથી પણ આવું ન કરવું જોઈએ. જ્યારે હું મહાકુંભમાં હતી, ત્યારે મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા અને આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે. એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન કરવું તે યોગ્ય નથી.
મેયર નયના બેન પેઢરિયાના મહાકુંભનો પ્રવાસ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે કે, જ્યારે ગાડી ઉપર કપડા સૂકાવ્યા નહોતા માત્ર ચુંદડી સુકાવી હતી. તેમણે કહ્યું કે, હું મારા પરિવાર સાથે મહાકુંભના પ્રવાસે ગઈ હતી, પરંતુ ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભાજપની ભાગબટાઈનો ડખો બજારમાં આવ્યો: વિપક્ષ
મહાનગરપાલિકાના મેયર પ્રયાગરાજ જઈને કુંભ સ્નાન કરી આવ્યા જે પ્રકરણ છેલ્લા ત્રણ દિવસથી ખુબ ગાજી રહ્યું છે. સરકારી ગાડીનો દૂરઉપયોગ કરી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ હવે મેયર દ્વારા જુથબંધી સહિતના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે શહેર કોંગ્રેસ અને મનપાના વિપક્ષી નેતા દ્વારા ભાજપ ઉપર ખુલમખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે, ભાજપનું પાપ છાપરેચડીને પોકારી રહ્યું છે.
ભાગ બટાઈમાં વાંધો પડ્યો અને બજારમાં આવ્યો એટલે હવે જૂથવાદના આક્ષેપો કરી રહ્યા છે. સત્તા પર આવ્યુ ત્યારથી ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવી રહ્યો છે. મેયર દ્વારા આ બાબતે હાઈકમાન્ડમાં ફરિયાદ કરવાની તૈયારી કરી છે તો અત્યારે જ ખુલ્લીને નામ જાહેર કરવા જોઈએ અને મેયર દ્વારા કરવામાં આવેલ કૃત્ય ગંભીર છે ભ્રષ્ટાચાર થયો છે જે મુદ્દે અમે લોકોએ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી રૂા. 2 ભાડુ રદ કરી મેયર પાસેથી રૂા. 18થી 25નો ચાર્જ વસુલવામાં આવે તેમ જણાવ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે અને તેનો હાથો મહિલા મેયરને બનાવવામાં આવ્યા છે. એક મહિલા પોતાની આપવીતી મીડિયા સમક્ષ કહે છે ત્યારે દુખની લાગણી થાય છે. આ અંદરો અંદરની લડાઈમાં તેમનો ભોગ લેવાયો છે જેનો બળાપો મેયર ઠાલવી રહ્યા છે, ત્યારે અત્યારે જ ખુલ્લીને જૂથવાદનો લાભ લેનાર લોકોના નામ મેયરે જાહેર કરવા જોઈએ પ્રજાએ સત્તા પર બેસાડ્યા એટલે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. એકવાત ચોક્કસ છે કે, કોઈપણ એક જૂથ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે જેને પુરો પાડવો જોઈએ અને આ જૂથવાદના કારણે થઈ રહેલા ભ્રષ્ટાચારને લોકોએ હવે સમજવાનો વારો આવ્યો છે.
