Rajkot: શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા નજીક લોકમાન્ય તિલક ટાઉનશિપમાં રહેતા રિક્ષા ચાલક યુવકે ગૃહકલેશથી કંટાળી સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી રોડ પર આવેલા બ્રિજ નજીક વેલનાથપરા સ્થિત લોકમાન્ટ તિલક ટાઉનશિપની A વિંગમાં રહેતા હરદેવભાઈ સૂરજભાઈ પરમાર (35)એ ગઈકાલે મોડી રાતે ટાઉનશિપના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
હરદેવભાઈને નીચે પડેલા જોઈએ લોકોએ 108ને જાણ કરી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલા 108ના EMT ભાવેશ વાઢેરે હરદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના PSI એસ.એસ. સ્યોરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પંચનામું કર્યાં બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃતક હરદેવભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમને સંતાનમાં એક પુત્ર હોવાનું અને પોતે 3 ભાઈમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. હરદેવભાઈએ ગૃહકલેશથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું માલૂમ પડ્યું છે.
