સુરતમાં આર્થિક સંકડામણથી સફાઈ કર્મીનો આપઘાત, લાલદરવાજા સ્થિત ઈન્ફિનિટી ટાવરના 11માં માળે પેસેજમાંથી પડતું મૂક્યું, ઘટના CCTVમાં કેદ

દિવ્યાંગ પુત્રની સારવારને લઈને કિશોરભાઈ ચિંતિત હતા. પુત્રને સારવાર માટે ઉદયપુર લઈ જવાનો હતો, પરંતુ પૈસાની વ્યવસ્થા ના થઈ હોવાથી અંતિમ પગલું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jan 2025 05:40 PM (IST)Updated: Sun, 05 Jan 2025 06:51 PM (IST)
surat-news-sanitation-worker-commit-suicide-by-jump-to-death-from-11th-floor
HIGHLIGHTS
  • દાદરથી નીચે ઉતરી પાળી પર ચડી નીચે કૂદવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

Surat: શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ઈન્ફિનિટી ટાવરના 11માં માળેથી પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના ટાવરના CCTVમાં કેદ થઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભાવનગરના શિહોરના વતની કિશોરભાઈ મારુ (43) સુરતના વેડ રોડ પર આવેલી વિજયનગર સોસાયટીમાં પોતાની પત્ની અને એક પુત્ર સાથે રહેતા હતા. કિશોરભાઈ ખાનગી કંપનીમાં સફાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ગત શુક્રવારે બપોરના સમયે કિશોરભાઈ લાલદરવાજા સ્થિત ઈન્ફિનિટી ટાવરના 11માં માળે આવ્યા હતા અને ત્યાંના પેસેજમાંથી નીચે કૂદી પડ્યા હતા. આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ લોહીલુહાણ હાલતમાં કિશોરભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યાં હતા.

આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કિશોરભાઈનો પુત્ર દિવ્યાંગ હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. જેને લઈને તેઓ સતત તણાવમાં રહેતા હતા. પુત્રની સારવાર માટે તેઓ બીજા રાજ્યમાં પણ જઈ આવ્યા હતા, પરંતુ કોઈ ફરક પડ્યો નહતો. કિશોરભાઈ પુત્રની સારવાર માટે ઉદયપુર જવાના હતા, પરંતુ પૈસાની ચિંતા સતાવતી હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે આ મામલે પરિવારજનોના નિવેદન લેવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.