Surat: નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત મદદનીશની ધરપકડ, ACBને રૂ. 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી

ACB તપાસમાં સંદિપ ખોપકરે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાની આવક કરતાં 62.13 ટકા અપ્રમાણસર મિલકતો વસાવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 25 Nov 2025 07:55 PM (IST)Updated: Tue, 25 Nov 2025 07:55 PM (IST)
surat-news-retired-assistant-of-navsari-mine-mineral-department-arrested-by-acb
HIGHLIGHTS
  • વડોદરામાં રહેતા સંદિપ ખોપકર 2021માં વય નિવૃત થયા હતા

Surat: નવસારી ખાણ ખનીજ વિભાગમાં નિવૃત થઈ ચૂકેલા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર વિરુદ્ધ નવસારી એસીબી પોલીસ સ્ટેશન ખાતે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ હાલમાં વડોદરા માંજલપુર ખાતે રહેતા સંદીપ મધુકર ખોપકર નવસારીમાં ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2021માં વય નિવૃત થયા હતા.

નવસારી ACBએ તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો છે. તેમના વિરુદ્ધ ચાલેલી તપાસ દરમિયાન 1,02,46,949 રૂપિયાની [62.13 %] અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી ACBએ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

તેઓ જ્યારે ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

સુરત ACBના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ જણાવ્યું કે, સંદીપ મધુકર ખોપકર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન પોતાને મળેલી સતાઓનો દૂરુપયોગ કરીને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઉભા કરીને અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ સંદર્ભની તપાસ ચાલી રહી હતી અને ગતરોજ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ વર્ષ 2021માં વય નિવૃત થયા છે અને તેમના વિરુદ્ધ તપાસ વય નિવૃત પહેલાથી જ ચાલી રહી હતી.