Gandhinagar: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2002ની મતદાર યાદીમાં નોંધાયેલા 5.08 કરોડ મતદારો પૈકી 5.07 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તાપી- સાબરકાંઠા- ગીરસોમનાથ- મહિસાગર- અમરેલી- બોટાદ- અમરેલી- નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંના 70%થી વધુ ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી સંપન્ન કરી દેવાઈ છે.
આ કામગીરીમાં 81.15 ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
| ક્રમ (Serial No.) | જિલ્લો (District) | ટકાવારી (Percentage) |
| 1 | ડાંગ (Dangs) | 82.24 |
| 2 | બનાસકાંઠા (Banaskantha) | 76.99 |
| 3 | સાબરકાંઠા (Sabarkantha) | 74.34 |
| 4 | તાપી (Tapi) | 74.11 |
| 5 | પંચમહાલ (Panchmahal) | 73.5 |
| 6 | ગીર સોમનાથ (Gir Somnath) | 72.62 |
| 7 | પાટણ (Patan) | 72.39 |
| 8 | નર્મદા (Narmada) | 69.14 |
| 9 | દાહોદ (Dahod) | 69.06 |
| 10 | ભાવનગર (Bhavnagar) | 68.31 |
અત્યાર સુધીની ગણતરી દરમિયાન ગુજરાતભરમાંથી 9 લાખથી વધુ અવસાન પામેલ મતદારોના નામ યાદીમાં સામેલ હતા. જ્યારે 1 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા. આ સાથે 9 લાખથી વધુ મતદારોએ કાયમી સ્થળાંતર કર્યું હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ 1.15 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું માલૂમ પડ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
