Surat: સુરતમાં આયોજિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપ સાંસદ પરષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સાથે જ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર પણ કરી હતી.
પોતાના સંબોધનમાં રુપાલાએ સમાજમાં ખદબદી રહેલા કુરિવાજોને ડામવા પર ભાર મૂકતા જણાવ્યું કે, છૂટાછેડા જેવી દુઃખદ ઘટના પછી પિતા જ્યારે પૈસા ગણવા બેસે છે, ત્યારે તે આખા સમાજ માટે શરમજનક સ્થિતિ બની જાય છે. તેમણે ચેતવણી આપી હતી કે, આપણો સમાજ આ બાબતોમાં ઘણો પાછળ રહી ગયો છે અને હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે.
અન્ય સમાજો આપણાં સમાજ કરતાં આગળ વધી ગયા
હવે ભવ્ય ભવનો બનાવવાની સાથે-સાથે સમાજનું નૈતિક ઘડતર કરવું પણ એટલું જ જરૂરી છે. અન્ય સમાજો આપણાં કરતાં આગળ વધી ગયા છે. પહેલા એવો સમય હતો કે, આપણો પાટીદાર સમાજ નિર્ણય કરતો, જેને અન્ય સમાજ ફોલો કરતા હતા. હવે આજે અન્ય સમાજોએ નિર્ણય કરી નાંખ્યા છે, ત્યારે હજુ આપણે વિચારવાનું પણ શરૂ નથી કર્યું. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.
ઘણાં સમાજમાં સમુહ લગ્નોના નિર્ણય લેવામાં આવ્યા છે. જે અંતર્ગત આખા સમાજમાં એક જ તારીખે લગ્ન કરવામાં આવે છે. એક સમાજે તો સોનાના દાગીના ના દેવાનો સામાજિક નિર્ણય કર્યો છે. આપણાં સમાજે પણ આવું કંઈક વિચારવાની જરૂર છે.
દીકરા-દીકરીઓનો કોઈ વાંક નહીં, તેમને ના ઘડનારા વડીલોનો વાંક
પહેલા એવું થતું કે, 12 વાગ્યા પછી કોઈ જમવા આવે, તો પીરસવાવાળા સામે મળે. જો કે હવે આ દિવસે ગયા. હવે આ કેટરિંગ વાળાને સોંપવામાં આવ્યું છે. આમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. હવે દીકરા-દીકરીઓ માનતા નથી, પરંતુ તેમાં એમનો કોઈ વાંક નથી. એમાં આપણાં વડીલોનો વાંક છે, જેઓ તેમને ઘડતા નથી.
આપણા સમાજમાં સંગઠનની ખૂબ જ જરૂર
વધુમાં રુપાલાએ સામાજિક સંગઠન પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે સૌથી વધુ સંગઠનની જરૂર આપણા ઘર અને કુટુંબમાં છે. જો પરિવારમાં એકતા નહીં હોય, તો સામાજિક સંગઠન મજબૂત નહીં બની શકે.
લોકસભા સાંસદે સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરતાં જણાવ્યું કે, આપણે હાથે કરીને કેટલીક ગાંઠો ઉભી કરી રહ્યા છે, જેના કારણે સમાજના અસ્તિત્વ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. આપણે મોટા-મોટા કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ હવે નવા સમય પ્રમાણે સમાજમાં નવા નિયમો અમલમાં આવે તેના માટે પ્રયાસ કરવા જોઈએ. આપણે સૌ સાથે મળીને સમાજને જરૂરિયાત મુજબની નવી દિશા આપીએ. આજે વિશ્વ ગ્લોબલ વિલેજ બની ગયુ છે. એવામાં આપણાં સમાજનું કોઈ માળખું ના હોય, તો તે ના ચાલે.
