Surat: હવે પાટીદાર સમાજમાં નવા બંધારણની તૈયારી, ખોટા ખર્ચા અટકાવવા અને બાળકોમાં સંસ્કારના સિંચન પર ભાર મૂકાયો

દીકરા-દીકરીઓ નાની ઉંમરે ખોટા પગલા ભરે છે અને પાછળથી પસ્તાય છે. આથી લગ્નની નોંધણીના કાયદામાં ફેરફારની ખૂબ જ જરૂર છે: પાટીદાર અગ્રણી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Jan 2026 12:02 AM (IST)Updated: Fri, 16 Jan 2026 12:03 AM (IST)
surat-news-now-patidar-laid-emphasis-on-preparation-of-new-constitution-in-the-society
સીદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા
HIGHLIGHTS
  • સુરતમાં વસતા પાટીદાર સમાજે નવા બંધારણને પોતાનું સમર્થન જાહેર કર્યું
  • પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સંમતિ તમામ સમાજ માટે ઉપયોગી

Surat: ગુજરાતમાં અલગ-અલગ સમાજના અગ્રણીઓ પોતાના સમાજમાં ખદબદતા કુરિવાજો નાબુદ કરવા માટે તેમને નવા સામાજિક બંધારણનો અમલ કરવા માટે પહેલ કરી રહ્યા છે, ત્યારે હવે સુરતમાં વસતો સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજમાં સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય પ્રમાણે નવા નિયમો લાગુ કરવા મુદ્દે ચર્ચા થઈ રહી છે.

તાજેતરમાં જ સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીનો ભૂમિ પૂજનનો પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પાટીદાર સમાજના નવા બંધારણને પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ.

લગ્નમાં થતાં ખોટા ખર્ચા અટકાવવા પર ભાર મૂકાયો
આ તકે સીદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ જણાવ્યું કે, પાટીદાર સમાજે આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પ્રગતિ કરી છે. જો કે આ વિકાસને જાળવી રાખવા માટે અત્યારના સમયની માંગ મુજબ સામાજિક બંધારણની અત્યંત જરૂર છે.

તેમણે સમાજના દીકરા-દીકરીઓમાં સંસ્કારનું સિંચન થાય તેમજ ખોટા ખર્ચા અટકાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ સાથે જ સમાજ નિયમના એક તાંતણે બંધાય તેમજ સમાજમાં કોઈ નવા પ્રશ્નો ઉભા ના થાય તે માટે સામાજિક બંધારણ હોવું આવશ્યક ગણાવ્યું હતુ.

પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સંમતિ તમામ સમાજ માટે ઉપયોગી
છેલ્લા કેટલાક સમયથી ભાગેડુ લગ્નો અટકાવવા માટે તેમજ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે પાટીદાર સમાજની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જેને પણ આજની સભામાં ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

લગ્નની નોંધણીના કાયદાને લઈને જણાવવામાં આવ્યું કે, દીકરા-દીકરીઓ નાની ઉંમરે ખોટા પગલાં ભરી લેતા હોય છે. જેના કારણે તેમની જિંદગી બગડે છે અને તેઓ દુખી થાય છે. આથી લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની ખૂબ જ જરૂર છે. લગ્નની નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવશે, તો આ કાયદો માત્ર પાટીદાર જ નહીં અન્ય સમાજ માટે પણ ઉપયોગી નીવડશે.