Banaskantha: 2026ના નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના અલગ-અલગ સમાજના લોકો કુરિવાજોને નાથવા માટે મેદાનમાં આવી રહ્યા છે. અગાઉ દિયોદર ખાતે ઓગડજી મહારાજની ધરા પર ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતુ. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજોને તિલાંજલી આપી નવા બંધારણની રચના કરવામાં આવી હતી. હવે આજ પગલે રબારી સમાજ પણ નવી પહેલ કરવા જઈ રહ્યો છે.
જે અંતર્ગત વાવ-થરાદના દિયોદર ખાતે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા વાવ થરાદ, બનાસકાંઠા અને પાટણના રબારી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. રબારી સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને સામાજિક સુધારણા કરવા માટે નવા બંધારણની રચના માટે યોજાયેલી આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે આયોજિત રબારી સમાજના મહાસંમેલનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો
કોઈ આંગળી ચીંધે તો, કપાઈ જવાનો ભય હોવો જ જોઈએ: ગોવાભાઈ રબારી
આ તકે સંબોધન કરતાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું કે, અત્યારે રબારી સમાજમાં એકતા અને સંગઠનની ખૂબ જ જરૂર છે. આપણો સમાજ દરેક જગ્યાએ ઢીલો થઈ ગયો છે. બીજા સમાજમાં સામાન્ય માથાકૂટ થાય, તો પણ 200 લોકો આવીને ઉભા રહે, પછી પોતાના સમાજના જ યુવકની ભૂલ કે વાંક કેમ ના હોય.
હવે આપણા સમાજમાં આ પ્રકારનો ડર નથી રહ્યો, એમ કહું તો ખોટું નથી. આપણે કોઈની સાથે ઝઘડા નથી કરવા કે કોઈને મારવા પણ નથી. જો કે રબારીને આંગળી કરશો, તો આંગળી કાપી નાંખશે તેવો લોકોમાં ભય તો હોવો જ જોઈએ।
અગાઉ ઠાકોર સમાજે 27 તાલુકાનું બંધારણ કરીને સમગ્ર ગુજરાતની અંદર એક સંદેશ આપીને તેની અમલવારી કરી છે. આપણે પણ ઠાકોર સમાજમાંથી પ્રેરણા લઈ તે દિશામાં કામ કરીએ. આપણી પાસે જે પૈસા અને સમય બચ્યા છે, તેનો સદુપયોગ કરીને રબારી સમાજના શિક્ષણ પાછળ કરીએ તો આપણા સમાજનું આવતીકાલનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.
