GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ અને રેખનકાર (ડ્રાફ્ટમેન) મળીને કુલ 388 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી અરજી કરી શકશે.
વર્ક આસિસ્ટન્ટની 336 અને ડ્રાફ્ટમેનની 52 જગ્યા માટે અરજી મંગાવાઈ
GSSSBની ભરતી જાહેરાત મુજબ, માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓમાં હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 336 જગ્યા પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે.
જેના માટે ઉમેદવારો 16 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી 30 જાન્યુઆરી રાતે 11:59 સુધી સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જ્યારે ભરતી પ્રક્રિયા સબંધિત જરૂરી સૂચનાઓ GSSSBની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે.
આવી જ રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના રેખનકાર (ડ્રાફ્ટમેન) વર્ગ-3 સંવર્ગની કુલ-52 જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર 16/01/2026 (બપોરે 2 કલાક) થી તા.30/01/2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી અને ક્યા ડૉક્યુમેન્ટની જરૂર પડશે?
ઑનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધાં જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાનાં રહેશે. અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે.
પોતાનાં તમામ પ્રમાણપત્રો જેવાં કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS), દિવ્યાંગ (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતનાં અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં પોતાનાં પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી ‘રદ’ થવાપાત્ર બને છે.
