Surat: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ (Ahmedabad Plane Crash) થયું, જેમાં સુરતના પુણાગામ સ્થિત પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા 26 વર્ષીય જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પણ સવાર હોવાનું સામે આવ્યું છે. જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફલાઇટમાં 54 નંબરની સીટ પર બેસીને કામ અર્થે લંડન જતા હોવાનું જાણવા મળ્યું હતું
સુરતના પુણાગામ ખાતે આવેલી પ્રમુખછાયા સોસાયટીમાં જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. જયેશભાઈ સ્ટુડન્ડ વિઝાની ઓફિસ ચલાવતા હતા. ગઈકાલે જ જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફલાઇટમાં લંડન કામ અર્થે જવા નીકળ્યા હતાં. તેમનો સીટ નંબર 54 હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમ્યાન અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા પ્લેન દૂર્ઘટનામાં જયેશભાઈનું પણ કરૂણ મોત નિપજ્યું છે. જયેશભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, તો બીજી તરફ તેમના બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વધુમાં જયેશભાઈની બહેન લંડનમાં સ્થાયી છે. હાલ જયેશભાઈના ભાઈ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે.
જયેશભાઈના મિત્ર ચંદુભાઈ પટેલે જણાવ્યું કે, અમે 10 થી 12 વર્ષથી સાથે રહેતા હતા. અમારી સોસાયટીમાં જયેશભાઈ રહે છે, રાતે અમને ઘટના અંગે સમાચાર મળ્યા હતા અને આખી સોસાયટી અને મિત્રોની આંખમાં આંસુ આવી ગયા હતા. જયેશભાઈ સાથે પરમ દિવસ રાતે અમે સાથે બેઠા હતા અને વાતો કરી હતી, જયેશભાઈ ખુબ જ સારા વ્યક્તિ હતા.
મિત્ર હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ક્લોઝ મિત્ર છીએ અને ભાઈ તરીકે રહેલા છીએ. છેલ્લા 12 વર્ષથી એક સાથે જ સોસાયટીમાં રહેતા હતા અને વિકની અંદર અમે 6 દિવસ તો રાતે સાડા 9 થી 11 વાગ્યા સુધી અમે સાથે જ હોઈએ, અને આ જે ઘટના બની છે તે હજુ સુધી અમને માનવામાં નથી આવતું. આગલી રાતે અમે સાડા 9 થી 12 વાગ્યા સુધી સાથે હતા સવારે તે કહેતો હતો કે, મારે સવારે 6 વાગ્યે અહીંથી નીકળવાનું છે અને અમદાવાદ જવાનું છે અને અમદાવાદથી મારી યુકેની ફ્લાઈટ છે, પણ એના જે છેલ્લા શબ્દો હતા તે હજુ સુધી માનવામાં નથી આવી રહ્યા.
સોશિયલ મીડિયાના માધ્યમથી અમને ઘટના અંગે સમાચાર મળ્યા હતા. પહેલા તો એવું જાણવા મળ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી ઘાયલ છે અને પછી જયારે આખું લિસ્ટ આવ્યું તેમાં જોયું તો તેમાં જયેશ ગોંડલીયા પણ હતો.
પહેલા તંત્ર દ્વારા સુરત જિલ્લાની જે યાદી બહાર પાડવામાં આવી હતી, તેમાં જયેશનું નામ નહોતું એટલે અમને એક આશા હતી કે, જયેશ આમાં થોડો ઈજાગ્રસ્ત હશે બાકી કઈ નહી હોય. જ્યારે પરિવાર ત્યાં ગયો અને તેનો ભાઈ સવારે 4 વાગ્યે ઘરે આવ્યા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જયેશ હવે અમારી વચ્ચે નથી રહ્યો.
