Surat: અમદાવાદમાં ગુરુવારના રોજ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ (Ahmedabad Plane Crash) થયું હતું, જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા-તરસાડીના વતની અર્જુનસિંહ જીગુસિંહ વાંસદીયા અને તેમના પત્ની દિવ્યાબેન પણ સવાર હતા, જેમનું વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું હતુ. આ બાબતની જાણ થતાં માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા તેમના ઘરે પહોંચ્યા હતા અને મૃતક દંપતીને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં તરસાડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં અર્જુનસિંહ વાંસદિયા (62) અને તેમના પત્ની દિવ્યાબેન (58) સવાર હતા. આ દંપતી લંડનમાં રહેતી તેમની દીકરીને મળવા પહેલીવાર જઈ રહ્યું હતુ, પરંતુ દુઃખદ ઘટનામાં તેમનું નિધન થયું છે. ક્રેશ થયેલા પ્લેનમાં દંપતી સીટ નંબર 38-A અને 38-B પર બેઠું હતુ અને પેસેન્જર લિસ્ટમાં તેમના નામ 227 અને 228 નંબર પર રજીસ્ટર્ડ હતા.
દંપતીના અવસાનની જાણ થતાં તેમના ઘરે પહોંચેલા માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના બની છે, એની અંદર 260 કરતા વધારે પેસેન્જરોના મૃત્યુ થયા છે. તેમાં સુરત જિલ્લાના તરસાડી નગર પાલિકાની અંદર તરસાડી ગામના પણ બે વડીલો જિંદગીમાં પહેલીવાર પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એ બંને વડીલોના પણ આમાં દુખદ મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટના દેશ માટે ખૂબ જ દુઃખદ દાયક છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ઘટના સ્થળે રુબરું પહોંચ્યા છે અને તમામ મૃતકના પરિવારજનોને આશ્વાસન પણ પાઠવ્યું છે. આ દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહો બને તેટલી ઝડપી તેમના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી સરકાર કરી રહી છે. અમારા મત વિસ્તારની અંદર પણ જે બે વડીલો લંડન જઈ રહ્યા હતા એમનું દુઃખદ અવસાન થયું છે, જેનું અમને બધાને ખૂબ દુઃખ છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એ જ અમે અભ્યર્થના કરીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સંગઠનમાં પણ અને સરકારમાં પણ વર્ષો સુધી સાથે કામ કરવાની અમને બધાને તક મળી હતી, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે, ત્યારે ગુજરાતે એક ખૂબ મોટા પ્રજા ના સેવક પણ ગુમાવ્યા છે અને પાર્ટીએ પણ એક નિષ્ઠાવાન કાર્યકર્તા ગુમાવ્યા છે એનું દુઃખ પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને છે
