Rakshabandhan 2026: સુરત પોલીસે તહેવાર ટાણે જ ભેળસેળિયા તત્વો પર કમર કસી, દરોડામાં 723 કિલો અખાદ્ય માવાનો જથ્થો અને મીઠાઈ જપ્ત

રક્ષાબંધન પહેલાં સુરત પોલીસે ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરી, સરથાણામાંથી 1.42 લાખનો 723 કિલો અખાદ્ય માવો અને મીઠાઈનો જથ્થો જપ્ત કર્યો. આરોપી ભાવેશ વઘાસીયા અમદાવાદ-તલાલાથી સસ્તા ભાવે માવો લાવી છેલ્લા 3 વર્ષથી મીઠાઈ બનાવી દુકાનોમાં સપ્લાય કરતો હતો, જેનો નાશ કરાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 09:05 PM (IST)Updated: Wed, 26 Aug 2026 09:05 PM (IST)
surat-news-police-seize-723-kg-unwholesome-khoya-worth-rs-142-lakh-ahead-of-rakshabandhan

Rakshabandhan 2026: આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તહેવાર પર મીઠાઈનું ખૂબ વેચાણ થતું હોય છે. એવામાં સુરતમાંથી હવે અખાદ્ય દૂધનો માવો તથા માવાની મીઠાઈનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 1.42 લાખની કિંમતનો 723 કિલોગ્રામ માવા તથા મીઠાઈનો જથ્થો જપ્ત કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતમાં ઝોન 1 LCB પોલીસ અને સરથાણા પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સરથાણા રોયલ પાર્કની બાજુમાં આવેલા સેલિબ્રેશન કંપાઉન્ડમાં રેડ કરી હતી. અહી પતરાના શેડમાં શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટમાંથી નકલી દૂધનો માવો તથા મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. જ્યાંથી પોલીસે ભાવેશ છગનભાઈ વઘાસીયાને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ નકલી માવો અમદાવાદ, તલાલાથી સસ્તા ભાવે લાવતો હતો અને અહી મીઠાઈ બનાવીને અલગ અલગ દુકાનોમાં સપ્લાય કરતો હતો અને છેલ્લા 3 વર્ષથી તે આ કામ કરતો હતો.

પોલીસે અહીંથી લુઝ માવો, SHREE GWAAL SWEETS લખેલા માવાના પેકેટ, પ્લાસ્ટિકની થેલીમાં રહેલો સફેદ માવો, અલગ અલગ પ્લાસ્ટિકની થેલીમાં GIR MADHAV SWEET MAVA લખેલા પેકેટ, અલગ અલગ બોક્ષોમાં લીલા કલરની બરફી, અલગ અલગ મીઠાઈ મુકવાની ચોકીઓમાંથી મોતીચુરના લાડુ, તેમજ અલગ અલગ બોક્સોમાં પિંક કલરની બરફી મળી કુલ 1.42 લાખની 723 કિલોગ્રામ મુદામાલ જપ્ત કર્યો હતો.

DCP આલોકકુમારે જણાવ્યું કે, ઝોન 1 LCB પોલીસની ટીમે સરથાણા સિલ્વર ચોક પાસે એક ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી. અમને બાતમી મળી હતી કે, અહિયાં ભાવેશભાઈ છગનભાઈ વઘાસીયા ડુપ્લીકેટ માવો અલગ અલગ વિસ્તાર અમદાવાદ, તલાલાથી લાવતો હતો.

180 રૂપિયામાં તે આ ડુપ્લિકેટ માવો ખરીદીને લાવતો હતો અને અહિયાં અલગ અલગ મીઠાઈઓ બનાવીને અલગ અલગ દુકાનોમાં હોલસેલમાં વેચાણ કરતો હતો. પોલીસે ત્યાંથી 723 કિલો ડુપ્લિકેટ માવો અને મીઠાઈનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું છેલ્લા 3 વર્ષથી તે આ ધંધો કરતો હતો અને આ સામગ્રીમાં માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવા કોઈ ઝેરી કે હાનિકારક તત્વો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે જાણવા જોગ દાખલ કરી છે. હાલ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સતત વોચમાં છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને કડકમાં કડક સજા મળે.


મીઠાઈ/માવાના કુલ 23 નમૂના લેવાયા, બે દિવસ પહેલા લીધેલા નમૂનામાં બે સબસ્ટાન્ડર્ડ


આજે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા 12 સંસ્થાઓની તપાસ કરી મીઠાઈ/માવાના કુલ 23 નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે જેનો પુથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં 77,640 રૂપિયાની કિમંતનો કુલ 149.78 કિલોગ્રામ જેટલો ખાદ્યપદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ 40,800 રૂપિયાની કિમંતનો ખાદ્ય પદાર્થનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત 24 ઓગસ્ટના રોજ દુધના માવાના કુલ 16 નમુના લેવામાં આવ્યા હતા, જે પૈકી કોટ સફીલ રોડ પર આવેલ નંદકિશોર એસ. માવાવાલા તેમજ ખટોદરામાં આવેલ જય માં વૈષ્ણવી સ્વીટ મળી કુલ 2 નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા સંસ્થા/ઇસમ વિરુદ્ધ એડજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.