વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય: ઊભા પાકને બચાવવા કચ્છ અને દ્વારકા સહિત 7 જિલ્લામાં 10 કલાક વીજળી પુરી પડાશે

વરસાદની ખેંચ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં 7 જિલ્લામાં 10 કલાક વીજળી, સિંચાઈ માટે પાણી અને પશુપાલકોને રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાનો સમાવેશ થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 08:43 PM (IST)Updated: Wed, 26 Aug 2026 08:43 PM (IST)
gandhinagar-news-gujarat-government-to-provide-10-hour-power-for-irrigation-and-rs-2-fodder-for-livestock

Gujarat Farmers Relief News: રાજ્યમાં સર્જાયેલી વરસાદની ખેંચની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ અને કટિબદ્ધ છે. આ સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા અને પશુધનને આર્થિક રાહત આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણયોની જાહેરાત કરી છે.

ખેડૂતો માટે 10 કલાક વીજળી અને ઊભા પાકને બચાવવાની ત્વરિત તૈયારી

રાજ્યના ખેડૂતોને હાલમાં ખેતીવાડી માટે રોજના 8 કલાક ગુણવત્તાસભર અને નિયમિત વીજળી આપવામાં આવી રહી છે, પરંતુ વરસાદની ખેંચને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજ્યના 7 જિલ્લાઓમાં (અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ) રોજના 10 કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે.

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર માત્ર આ 7 જિલ્લા પૂરતી મર્યાદિત નથી, પરંતુ જો રાજ્યના અન્ય કોઈ પણ જિલ્લામાં પાક અથવા પાણી બચાવવા વધુ વીજળીની જરૂર જણાશે, તો ત્યાં પણ 10 કલાક વીજળી પૂરી પાડવા માટે સરકાર સંપૂર્ણપણે સજ્જ છે.

ઊભા પાક અને મોલાત માટે સિંચાઈના પાણીનું આયોજન

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની સુકાતી મોલાતને બચાવવા માટે પાણી પુરવઠો સતત ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય કરાયો છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 'સૌની યોજના' અને 'સુજલામ સુફલામ યોજના' હેઠળ નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્ક દ્વારા જોડાયેલા ડેમો અને તળાવો ભરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

આણંદ અને ખેડા જિલ્લામાં ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઊભો પાક બચાવવા માટે કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહી કમાન્ડ વિસ્તારના નાગરિકો માટે પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિતપણે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે . યોગ્ય જળ વ્યવસ્થાપન દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી આર્થિક નુકસાન અટકાવવામાં આવશે.

પશુપાલકોની ચિંતા હળવી: માત્ર રૂ 2માં ઘાસચારો

ગુજરાત સરકારે વરસાદની અછતની સ્થિતિમાં પશુપાલકો પર કોઈ આર્થિક બોજ ન પડે તેની પૂરતી કાળજી લીધી છે. રાજ્યના 301 ગામોના આશરે 90 હજાર પશુધનની સુરક્ષા માટે અત્યાર સુધીમાં 16 લાખ કિલો ઘાસચારાનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે.

પશુપાલકોને આ ઘાસચારો માત્ર રૂપિયા 2 પ્રતિ કિલોના અત્યંત રાહત દરે પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી. વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારાનો જથ્થો અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યો છે. સ્થાનિક જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં ભરવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.

ખાંડના ભાવો નિયંત્રણમાં

ગુજરાતમાં ખાંડની ઉપલબ્ધતા અને બજાર કિંમતોને લઈને પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, હાલમાં ગુજરાતની 17 કાર્યરત ખાંડ મિલો (દૈનિક પીલાણ ક્ષમતા 73,800 ટન) પાસે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં વાર્ષિક 2 લાખથી વધુ ખેડૂતો શેરડી પૂરી પાડે છે, જેના દ્વારા આશરે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. હાલમાં ઓફ-સીઝનને કારણે મિલો બંધ છે, જે 15 ઓક્ટોબર બાદ ફરી શરૂ થતાં જથ્થામાં હજી વધારો થશે.


ઇથેનોલ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં કોઈ પણ ખાંડ મંડળી શેરડીમાંથી સીધો ઇથેનોલ બનાવતી નથી, પરંતુ શેરડીના પીલાણ બાદ વધેલા મોલાસિસમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે.

સરકારી પ્રયાસોના પરિણામે ખાંડનો એક્સ-ફેક્ટરી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6500 થી ઘટીને રૂ. 6000થી પણ નીચે આવી ગયો છે, જેનાથી આગામી સમયમાં બજારમાં ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણમાં રહેશે. રાજ્ય સરકાર દરેક વિપરીત પરિસ્થિતિમાં પશુપાલકો અને જગતના તાત એવા ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે.