Surat: હત્યાના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી મોરબીથી ઝડપાયો, પોલીસના ડરથી વતનમાં પગ ના મૂક્યો; લગ્ન પણ ના કર્યાં

2008માં ડ્રાઈવિંગનું કામ કરતો હતો, ત્યારે અન્ય એક ટેમ્પો ડ્રાઈવર એવા મિત્રને લૂંટવાના ઈરાદે ઢોરમાર મારતા તેનું મોત નીપજતાં તે ભાગી છૂટ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Sep 2025 07:42 PM (IST)Updated: Sun, 14 Sep 2025 07:42 PM (IST)
surat-news-police-held-murder-accused-after-17-years-from-morbi
HIGHLIGHTS
  • પોલીસે આરોપી ઉપર રૂ. 10 હજારનું ઈનામ જાહેર કર્યું હતુ

Surat: સુરત ગ્રામ્યની કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં 17 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. સુરત શહેર પીસીબી પોલીસે આરોપીને મોરબીથી ઝડપી પાડ્યો હતો. આરોપી ઉપર 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ આરોપી પોલીસમાં પકડાઈ જવાની બીકે પોતાના વતનમાં ક્યારેય જતો ના હતો અને લગ્ન કરે તો તેની પત્નીની વિગતો મેળવી પોલીસ પકડી પાડે તેવા ડરથી લગ્ન પણ કર્યા નથી

હકીકતમાં સુરત શહેર પીસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઈ અમૃતીયા હાલમાં મોરબી જિલ્લા ખાતે રહે છે. આ બાતમીના આધારે પીસીબી પોલીસની એક ટીમ મોરબી રવાના થઇ હતી. જ્યાંથી પોલીસે રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઈ અમૃતીયા (53)ને મોરબી જિલ્લા ખાતેથી થ્રેશરના કારખાનામાંથી ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનામાં ફક્ત એક જ આરોપી હતો અને આરોપી વતનમાં જે-તે વખતે પોલીસે અવાર નવાર તપાસ કરતા આરોપી છેલ્લા અઢાર વર્ષથી ઘરે રહેતો નહી હોવાનું તેના માતા પિતાએ બનાવ વખતે જણાવ્યું હતું.

આરોપી પોલીસમાં પકડાઈ જવાના ડરથી પોતાના વતનમાં ક્યારેય જતો નહતો કે તેના પરિવાર સાથે કોઈ સબંધ પણ રાખતો નહતો. તેમજ જો તે લગ્ન કરે તો તેની પત્નીની વિગતો મેળવી પોલીસ પકડી પાડે તેવા ડરથી તેણે લગ્ન પણ કર્યા નથી. છેલ્લા 35 વર્ષથી તે તેના વતનમાં પણ ગયો નથી. આ ઉપરાંત આરોપીને પકડી પાડવા માટે સુરત ગ્રામ્ય પોલીસ અધિકક્ષ દ્વારા 10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, 2008માં પોતે ટ્રાન્સપોર્ટમાં છૂટક ડ્રાઈવિંગ કરતો હતો. તે સમયે દર્શન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં વિપુલ સોલંકી સાથે મિત્રતા થઈ હતી. વિપુલ જેતપુરથી કરજણના વેપારીનો લસણનો માલ તથા સુરતના વેપારીનો ઘઉંનો માલ ટેમ્પોમાં ભરીને આવવા નીકળ્યો હતો.

આ સમયે તેનો ટેમ્પો ત્રણ ચાર વખત પંચર થતા તેમજ તેઓને તકલીફ હોવાથી મરણ જનાર વિપુલભાઈએ આરોપીને તેની સાથે ટેમ્પો ડ્રાઈવ કરવા માટે બોલાવતા આરોપી તેની સાથે ટેમ્પો ચલાવીને ગયો હતો. કરજણમાં એક વેપારીને ત્યાં ટેમ્પો લઇ ગયા ગયા હતા જ્યાં મૃતક વિપુલભાઈએ ટેમ્પોમાંથી લસણનો માલ ખાલી કર્યો હતો અને ત્યાંથી સુરત તરફ આવવા નીકળ્યા હતા.

તે વખતે આરોપીને લાગ્યું હતું કે, કરજણના વેપારીએ માલના નાણા ચૂકવ્યા છે. જેથી વિપુલભાઈ પાસેથી સારા એવા પૈસા મળશે. આવું વિચારીને વિપુલભાઈને પેટ તથા છાતીના ભાગે ઈજા પહોચાડી હતી. જેમાં વિપુલભાઈનું મોત થયું હતું અને બાદમાં વિપુલભાઈ પાસે ચેક કરતા તેની પાસેથી કોઈ રૂપિયા મળ્યા ના હતા જેથી પોતે ટેમ્પો રોડની સાઈડમાં મુકીને મૃતક વિપુલભાઈને ટેમ્પામાં છોડીને ભાગી ગયો હતો.

જે બાદમાં પોલીસમાં પકડાઈ જવાની બીકે અલગ અલગ જગ્યાએ પાંચેક વર્ષ સુધી છોટા ઉદેપુરના કવાંટ ખાતે કવોરીમાં મજુરી કામ કરી ત્યાં રહ્યો હતો અને ત્યારબાદ મોરબી જિલ્લામાં દેવળિયા ગામમાં પાંચેક વર્ષ રહી છૂટક મજુરી કામ કરતો હતો. જે બાદ છેલ્લા સાત-આઠ વર્ષથી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામમાં થ્રેશરના કારખાનામાં રહી મજુરી કામ કરતો હતો.