Surat: શહેરના ભેસ્તાન વિસ્તારમાં જવેલર્સમાં લૂંટની ઘટના બની હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ભાગી રહેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય બે આરોપીને ક્રાઈમ બ્રાંચ અને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગતરોજ બપોરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ શાંતિનાથ જ્વેલર્સમાં શો રૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર હાજર હતા. આ દરમ્યાન 3 ઈસમો અહી આવ્યા હતા અને આશરે 10 થી 15 મિનીટ ચાંદીના દાગીના જોયા બાદ બે આરોપીઓએ શો રૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા.
બીજી તરફ ત્યાં બૂમાબૂમ થતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ ભાગી રહેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ ઇજાગ્રસ્ત શો રૂમ માલિક અને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ 4800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વીંટીની લૂંટ કરી હતી. આ ઘટનામાં એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ બનાવ અંગે એસીપી નીરવ ગોહિલએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓ પૈકી લોકોના હાથે ઝડપાયેલા આરોપીનું નામ આમીર ઈર્શાદ અંસારી તે મૂળ ઉતરપ્રદેશનો વતની છે સુરતમાં તે સલુનનું કામ કરે છે. બીજા આરોપી અહેમદ રઝા સૈદુલ અંસારી મૂળ બિહારનો વતની છે, તે ખાતામાં સિલાઈનું કામ કરતો હતો જયારે ત્રીજા આરોપી દિલનવાઝ મોહમદ માસુમ શેખ તે મૂળ બિહારનો વતની છે અને સુરતમાં માર્કેટમાં છૂટક મજુરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટરની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. ઘણા વર્ષોથી ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા. હાલ સુધીની તપાસ દરમ્યાન આરોપીનો ગુનાહિત ઈતિહાસ જણાય આવ્યો નથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીઓ છરીની સાથે મરચાની ભૂકી પણ લઇને આવ્યા હતા અને તેઓએ મરચાની ભૂકી પણ નાખી હતી. સ્થળ પરથી મરચાની ભૂકી ભરેલી પ્લાસ્ટિકની બેગ પણ તપાસ અર્થે કબજે કરવામાં આવી છે. અને તપાસ દરમ્યાન આરોપીઓએ જવેલર્સની દુકાનની રેકી પણ કરી હોવાનું જણાય આવ્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
