Gujarat BJP Chief: વાવ બેઠક જીતવાની સાથે જ પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ છોડવાના આપ્યા સંકેત, કહ્યું- 'કોઈ નવા વ્યક્તિને તક મળે'

અત્યારે સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની સાથે-સાથે કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 Nov 2024 10:07 PM (IST)Updated: Sat, 23 Nov 2024 10:07 PM (IST)
gujarat-bjp-get-new-party-chief-cr-patil-hint-after-vav-assembly-election-win
HIGHLIGHTS
  • ભાજપમાં એક વ્યક્તિ-એક હોદ્દાનો નિયમ છે

Gujarat BJP Chief: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતની પણ એકમાત્ર વાવ વિધાનસભા બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેક સુધી રસાકસી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. આ સાથે જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અધ્યક્ષ પદ છોડવાના સંકેત આપ્યા છે.

હકીકતમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, ભાજપમાં એક વ્યક્તિ-એક હોદ્દાનો નિયમ છે. મેં અગાઉ બે વખત મને જવાબદારીમાંથી મુક્ત થવા રજૂઆત કરી છે. મને મુક્ત કરો અને કોઈ બીજાને જવાબદારી સોંપો. જો કે હવે વાવમાં જીત સાથે જ મને સંકેત મળી ગયો છે. આ બેઠક જીતતા જ મારી વિદાય વસમી નહીં રહે. જે કોઈ નવા અધ્યક્ષ બને, તેમને પણ એડવાન્સમાં અભિનંદન પાઠવું છું.

અત્યારે સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની સાથે-સાથે કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જ્યારે પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું, ત્યારથી જ ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

ગત જુલાઈ મહિનામાં બોટાદના સારંગપુર ખાતે ભાજપની કાર્યકારીની બેઠક મળી હતી. જેમાં પણ પાટીલના અનુગામી તરીકે રાજકીય અટકળોએ જોર પકડ્યું હતુ.જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતે નહીં ત્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ સી.આર. પાટીલને હટાવવાના મૂડમાં નથી. હવે વાવ બેઠક પર કમળ ખીલ્યા બાદ પાટીલ તરફથી સંકેત મળતા, ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય કરે તે જોવું રહ્યું?