Surat: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદને લઈને પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં અલ્પેશ કથીરિયાએ રાજ ઠાકરેને પોતાના નિવેદન બદલ માફી માંગવાની વાત કરી છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરે દ્વારા સરદાર સાહેબ અને મોરારજી દેસાઈનું અપમાન કરતાં ખૂબ જ વાહિયાત વાતો કરી છે. જેમણે સમગ્ર ભારતને એક કરવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું, એવા સરદાર સાહેબનું અપમાન એટલે રાષ્ટ્રનું અપમાન છે. આ ભારત માતાનું અપમાન છે. આ અપમાન ક્યારેય સાંખી નહીં લેવામાં આવે.
એક ગુજરાતના નાગરિક તરીક નહીં, પરંતુ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે, આ નિવેદન બદલ રાજ ઠાકરે દિલગીર થઈને તાત્કાલિક ધોરણે એની માફી માંગવી જોઈએ.
વધુમાં અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, રાજ ઠાકરેએ આવા નિવેદનોના કારણે બે ભાષા અને પ્રાંતના લોકોને સામ-સામે કરીને પોતાની રાજનીતિ ના ચમકાવવી જોઈએ. ભાષાનો મુદ્દો છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિ એવા સરદાર સાહેબ અને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યાં છો, જે બિલકુલ સાંખી નહીં લેવામાં આવે. તમારે માફી માંગીને આ મુદ્દાને અહીં જ પૂર્ણ કરવો જોઈએ.
ગુજરાતીઓને પહેલાથી જ મુંબઈ પર નજર: રાજ ઠાકરે
હકીકતમાં રાજ ઠાકરેએ મુંબઈની જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈને આપણે લોહપુરુષ માનતા હતા, પરંતુ તેઓ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતા. આ ગુજરાતીઓને પહેલાથી જ મુંબઈ પર નજર છે. જ્યારે મોરારજી દેસાઈ વિશે કહ્યું હતું કે, જ્યારે-જ્યારે મહારાષ્ટ્રમાં આંદોલન થયા, ત્યારે તેમણે જ મરાઠીઓને બંદૂકની ગોળીએ ઠાર મરાવ્યા હતા.
