Gandhinagar: છત્રાલ ઑવર બ્રિજ નીચે એસિડ એટેકથી અફરાતફરી, રિક્ષા ચાલકે હોમગાર્ડ મહિલા પર એસિડ ફેંક્યું

રિક્ષા પાર્કિંગ બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલો ડ્રાઈવર એસિડનો બાટલો લઈને આવ્યો અને મહિલા કંઈ સમજે તે પહેલા તેના પર રેડી દીધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Jul 2025 11:31 PM (IST)Updated: Fri, 18 Jul 2025 11:31 PM (IST)
gandhinagar-news-auto-rickshaw-driver-acid-attack-on-woman-home-guard-in-chatral
HIGHLIGHTS
  • મોંઢા અને શરીરને દાઝેલી મહિલા હોમગાર્ડને દાખલ કરાઈ
  • પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી

Gandhinagar: ગાંધીનગરમાં કલોલ તાલુકાના છત્રાલમાં આજે સવારે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેકના બનાવથી સનસનાટી મચી છે. વાહન પાર્કીંગ મામલે બોલાચાલી બાદ રિક્ષા ચાલકે એસિડ ફેંકયુ હતું. જેમાં એક મહિલા હોમગાર્ડ ચહેરા તથા શરીરના અન્ય ભાગો પર દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે એસિડ એટેક કરીને ભાગી છૂટેલા રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કલોલ તાલુકાના છત્રાલ ઑવર બ્રિજ નીચે આજે સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી પોતાની રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી.

આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ સમયે અન્ય હોમગાર્ડ જવાનો દોડી આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો, જ્યાં તેને સમજાવીને છોડી મૂકવામાં આવ્યો હતો.,

આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને ફરીથી ઑવર બ્રિજ નીચે આવ્યો હતો. જ્યાં તેણે ફરજ બજાવી રહેલ હોમગાર્ડ મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના પર એસિડ રેડીને ભાગી છૂટ્યો હતો.

આ હુમલાના પગલે થોડા સમય માટે ઘટના સ્થળે અફરાતફરી મચી હતી. જે બાદ એસિડ એટેકમાં દાઝી ગયેલા મહિલા હોમગાર્ડને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ મામલે કલોલ એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.