Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢીયા પીપળીયા ગામે ગત મોડી રાતના સુમારે હ્રદયદ્રાવક ઘટના ઘટી હતી. જેમાં એક વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. વહેલી સવારે આ બાબતની જાણ થતાં ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઢૂંઢીયા પીપળીયા ગામે ચરુભાઈ બોઘાભાઈ રાખોલિયા (75) તેમના પત્ની કુંવરબેન રાખોલિયા (70) સાથે એકલવાયું જીવન ગુજારતા હતા. જ્યારે તેમના 3 સંતાનો પૈકી બે સુરત અને એક રાજકોટ ખાતે રહેતા હતા.
આજે ચરુભાઈના સંતાનો ફોન કરતા હતા, પરંતુ કોઈ ફોન ઉપાડતું નહતુ. આથી સંતાનોએ ગામના અન્ય લોકોને જાણ કરીને ઘરમાં તપાસ કરવા જણાવ્યું હતુ. જેથી ગ્રામજનોએ તપાસ કરતાં ઘરના ખાટલામાં વૃદ્ધ દંપતીની હત્યા કરાયેલી લાશો મળી આવી હતી. આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, મામલતદાર અને DySp સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નાના એવા ગામમાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉભા થયા છે.
હાલ તો પોલીસે વૃદ્ધ દંપતીના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. લૂંટના ઈરાદે હત્યાની આશંકાના પગલે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. અત્યારે પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
