Reservation Hatao Andolan મુદ્દે ગુજરાતમાં રાજકીય હલચલ, પાટીદાર આગેવાનોએ શું કહ્યું?

વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર આરક્ષણ મુદ્દે ગુજરાતના અનેક પાટીદાર આગેવાનોએ અવાજ ઉઠાવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 31 Jul 2026 04:21 PM (IST)Updated: Fri, 31 Jul 2026 04:21 PM (IST)
reservation-hatao-andolan-gujarat-patidar-leaders-statement-on-reservation-policy-reform
Patidar Leaders on Reservation Hatao Andolan

Patidar Leaders on Reservation Hatao Andolan: સોશિયલ મીડિયા પર ચાલી રહેલા રિઝર્વેશન હટાવો આંદોલન (Reservation Hatao Andolan) થી ગુજરાતના વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનની તવારીખો તાજી થઈ છે. આ સાથે જ ફરી એકવાર પાટીદાર નેતાઓ અનામત નીતિમાં સમીક્ષા અને સુધારાની માંગ સાથે જાહેરમંચ પર આવ્યા છે. Gujarati Jagran ના આ અહેવાલમાં વાંચો અનામત હટાવવા અંગે ગુજરાતના જાણીતા પાટીદાર નેતાઓના મંતવ્યો શું?

શું છે રિઝર્વેશન હટાવો આંદોલન? (Reservation Hatao Andolan)

નવી દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા કોકરોચ જનતા પાર્ટીના (CJP) આંદોલન અને  તેના પરિણામ બાદ હવે અનામત હટાવવાની માંગ સાથે ચાલતું એક આંદોલન ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સટાગ્રામ પર ચાલી રહેલું રિઝર્વેશન હટાવો આંદોલન (Reservation Hatao Andolan) 5.9 મિલિયન એટલે કે 60 લાખની આસપાસ ફોલોવર્સ સાથે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અને આ આંકડો દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

naidunia_image

'અનામતનો લાભ તમામ જરૂરિયાતમંદ લોકોને મળવો જોઈએ': હાર્દિક પટેલ

અનામત વ્યવસ્થા અંગે પોતાનો પક્ષ રજૂ કરતા ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, સમાજમાં ગરીબી, જાતિગત ભેદભાવ અને પછાતપણું હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયું, તેથી અનામત હોવી જોઈએ પરંતુ તેમાં સુધારો થવો પણ એટલો જ જરૂરી છે. હાર્દિક પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, અનામતનો લાભ માત્ર સામાજિક અને આર્થિક રીતે પછાત, ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને જ મળવો જોઈએ.

હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર સમાજના અંતિમ છોર પર ઉભેલા વ્યક્તિ સુધી અનામતનો લાભ પહોંચાડવા માંગતા હતા. તેથી જે પરિવારના લોકો સરકારી સેવામાં જોડાયા હોય અને અનામતનો લાભ મેળવીને ગરીબી કે પછાતપણામાંથી બહાર આવી ગયા હોય, તેમણે પોતાના જ સમાજના પછાત વર્ગ માટે સ્વેચ્છાએ અનામતનો ત્યાગ કરી દેવો જોઈએ.

'સક્ષમ પરિવારો અનામતનો લાભ લેવાનું બંધ કરે': અલ્પેશ કથીરિયા

રિઝર્વેશન હટાવો આંદોલનને આંશિક સમર્થન આપતા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, અનામતનો લાભ માત્ર અને માત્ર આર્થિક કે સામાજિક રીતે ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ મળવો જોઈએ. ઉચ્ચ અધિકારીઓ, સારા ઉદ્યોગપતિ કે આર્થિક રીતે સક્ષમ થઈને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા હોય તેવા પરિવારના બાળકોએ અનામતનો લાભ લેવાનું બંધ કરવું જોઈએ.

 

ભલે EWS, OBC, SC, ST કે ઓપન કેટેગરી હોય, દરેક શ્રેણીમાં સરકારે એવી ચોક્કસ નીતિ બનાવવી જોઈએ જેથી સક્ષમ લોકોને બાદ કરી ખરેખર ગરીબ અને વંચિત બાળકોને તેનો લાભ મળી શકે. દેશમાં અનામત નીતિની સમીક્ષા થવી જોઈએ અને સમય અનુસાર તેમાં યોગ્ય સુધારા લાવવા અત્યંત જરૂરી છે. જેથી જે લોકોને ખરેખર મળવાપાત્ર છે અને જેઓ તેના સાચા હકદાર છે, તેમના સુધી અનામતનો લાભ પહોંચી શકે.

'દરેક સમાજમાં ગરીબી, સમયાનુકૂળ સુધારાની જરૂર': લાલજી પટેલ

અનામત નીતિ અંગે વાત કરતા સરદાર પટેલ ગ્રુપ (SPG) ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું, માત્ર એક જ વર્ગ કે જ્ઞાતિ નહીં પરંતુ પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય કે દલિત એમ દરેક સમાજમાં ગરીબ પરિવારો વસે છે. ઘણીવાર તો ગરીબ માણસ માર્ગદર્શન અને જાગૃતિના અભાવે ફોર્મ ભરવાથી પણ વંચિત રહી જાય છે. અમારો હેતુ અનામતને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નથી, પરંતુ તેમાં સમયાનુકૂળ સુધારા કરવાનો છે.

naidunia_image

વર્તમાન સ્થિતિમાં ઘણીવાર એક જ પરિવારના સભ્યો કે આર્થિક રીતે સક્ષમ લોકો વારંવાર અનામતનો લાભ મેળવે છે. જે પરિવારો અગાઉની પેઢીઓમાં અનામતનો લાભ લઈને સારી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેમના બાળકોને બદલે તે જ સમાજના ગરીબ વર્ગને આ તક મળવી જોઈએ. અનામત નીતિમાં યોગ્ય સુધારા કરીને આર્થિક રીતે નબળા લોકોને પ્રાધાન્ય આપવું અત્યંત જરૂરી બન્યું છે.

'અનામત નીતિની 10 વર્ષે પુનઃસમીક્ષા થવી જોઈએ': દિનેશ બાંભણિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના જાણીતા નેતા દિનેશ બાંભણિયાએ અનામત નીતિ અંગે વાત કરતા જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાને પરિપૂર્ણ કરવા માટે દરેક અનામત નીતિની દર 10 વર્ષે પુનઃસમીક્ષા થવી જોઈએ. વર્તમાન સમયમાં જે અનામત વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની તાતી જરૂરિયાત છે. જે બાબત સાચી છે, ત્યાં અમે હંમેશા સમર્થન આપીશું.

naidunia_image

અનામત વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને અત્યાર સુધી જે લોકોને તેના વાસ્તવિક લાભો નથી મળી શક્યા, તે તમામ પાસાંઓ પર ગંભીર વિચારણા થવી જોઈએ. બિન અનામત જ્ઞાતિમાં વસતા ગરીબ લોકોને કોઈપણ પ્રકારનો લાભ મળતો નથી તે બાબતે પણ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. આર્થિક રીતે નબળા વર્ગને (EWS) ખાસ પ્રાથમિકતા આપવામાં આવે.