Surat: રાંદેરમાં 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરાયું, સ્વતંત્રતા દિન પૂર્વે તક્તીનું અનાવરણ થતાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજ્યા

સ્થાનિક રહેવાસીઓએ ગર્વ સાથે જણાવ્યું કે, હું 30 વર્ષથી પાકિસ્તાની મહોલ્લામાં રહું છે. જો કે હવે હું મારા આધાર કાર્ડમાં હિન્દુસ્તાની મહોલ્લો કરાવીશ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 Aug 2025 05:38 PM (IST)Updated: Thu, 14 Aug 2025 05:38 PM (IST)
surat-news-pakistani-mohalla-name-changed-to-hindustani-mohalla-ahead-of-independence-day
HIGHLIGHTS
  • આઝાદી બાદ રામનગર સ્થિત સિંધી વસાહતનું નામ 'પાકિસ્તાની મહોલ્લા' રહી ગયું હતુ
  • MLA પૂર્ણેશ મોદીની ભલામણના આધારે સાંસ્કૃતિક સમિતિએ નામ સુધાર્યું

Surat: સુરતમાં આવેલા રામનગર સ્થિત 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાન મહોલ્લો' કરાયું છે. ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અગાઉ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી રજૂઆત કરી હતી. આજે રામનગરમાં 'હિન્દુસ્તાન મહોલ્લો' તકતીના અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો

સુરતનાં રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં આવેલ 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની ભલામણના આધારે રોજ વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને 'હિન્દુસ્તાન મહોલ્લો' કર્યું છે. આ અંગે ગુજરાત સરકારના તત્કાલીન સંસદીય સચિવ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તા.8-10-2018ના રોજ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખીને નામ બદલવા લાગણી વ્યકત કરી હતી.

જેના અનુસંધાને તા.17-12-2018ના રોજ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ નં. 39/2018થી પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને 'હિન્દુસ્તાન મહોલ્લો' કર્યું છે. જેના અનુસંધાને 'હિન્દુસ્તાન મહોલ્લો' તકતી અનાવરણ કાર્યક્રમ આજે 14 ઓગસ્ટ 2025ના રોજ યોજાયો હતો

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, વર્ષ 1947માં દેશનું વિભાજન થયું અને પાકિસ્તાન અસ્તિવમાં આવ્યું, પરંતુ જે-તે વખતે સિંધ પ્રદેશના લોકો સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારોમાં રહેવા ગયા. જે પૈકી સુરતના રામનગર વિસ્તારમાં પણ સિંધી સમાજ આવ્યો અને વસ્યો હતો અને આટલા બધા વર્ષો પછી અહી એક શેરીનું નામ લોકવાયકા મુજબ શરત ચૂકથી 'પાકિસ્તાની મહોલ્લો' થઇ ગયું હતું, લોકો 'પાકિસ્તાની મહોલ્લા' તરીકે ઓળખવા લાગ્યા હતા.

જો કે વર્ષ 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને વર્ષ 2017માં મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, ત્યારે પત્ર વ્યવહાર કર્યો અને વર્ષ 2018માં મહાનગર પાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મહોલ્લાનું નામ હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું.

આજથી 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત સમૃતી દિવસના રોજ હિન્દુસ્તાની મહોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે. હવે પછી આ મહોલ્લાના લોકોના રેશન કાર્ડ કે આધાર કાર્ડમાં પાકિસ્તાની મહોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને હિંદુસ્તાની મહોલ્લો કરાવીશું.

પ્રિયાબેન ચૌહાણે જણાવ્યું કે, હું છેલ્લા 30 વર્ષથી આ 'પાકિસ્તાન મહોલ્લા'માં રહું છું. છેલ્લા 30 વર્ષથી મને આ મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લો જ સાંભળવામાં આવ્યું છે. હવે મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લાથી હિન્દુસ્તાન મહોલ્લો રાખવામાં આવ્યું છે, તો મને ખુબ જ ગર્વ મહેસુસ થાય છે. મારા આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો છે અને હવેથી હું મારા આધાર કાર્ડમાં હિન્દુસ્તાન મહોલ્લો કરાવી શકીશ.