સુરતને ખાડીપુરથી બચાવવા પદ્મશ્રી મથુર સવાણીનો મેગા પ્લાન- પાણીના પ્રવાહને તાપી નદીમાં ડાયવર્ટ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સુરતને બચાવવા માટે આજના ટેકનોલોજીના યુગમાં સારી રીતે ઉપાય કરી શકાય તેમ છે. સૌની યોજના જેવા મોડલનો ઉપયોગ કરીખાડીના પાણીને ડાયવર્ટ કરવાની જરૂર.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Jul 2025 05:30 PM (IST)Updated: Thu, 03 Jul 2025 05:30 PM (IST)
surat-news-padma-shree-mathur-savani-wrote-a-letter-to-the-chief-minister-with-the-plan-to-avoid-khadipur
HIGHLIGHTS
  • મથુર સવાણીએ ખાડીપુર ટાળવાનો પ્લાન રજૂ કર્યો
  • ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી

Surat: સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડી પુર આવ્યું હતું અને લોકોને હાલાકી પડી હતી, ત્યારે ખાડીપુરને ટાળવા માટે પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બીજી તરફ મથુરભાઈના પત્રને લઈને ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને મથુરભાઈ દ્વારા સૂચવેલી યોજના પ્રમાણે સર્વે કરી શક્યતા તપાસીને આ યોજના શક્ય છે કે કેમ? તે બાબતે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

મથુરભાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે,
સુરત સિટીમાં પસાર થતી મુખ્ય બંને ખાડીઓના પાણીનો પ્રવાહ બારડોલીના ઉપરવાસના એરિયામાંથી આવે છે. વારંવાર ખાડી પુર આવે છે તેમાંથી સુરતને બચાવવા માટે આજના ટેકનોલોજીના યુગમાં સારી રીતે ઉપાય કરી શકાય તેમ છે. આ માટે અંત્રોલી નજીક છેડછા ગામથી નવા રીંગ રોડની સાઈડ માંથી ખાડીના પાણીને પાઈપ લાઈન દ્વારા ડાયવર્ટ કરીને વાલક ગામ પાસે તાપી નદી સાથે જોડી શકાય તેમ છે. આ એરિયા અંદાજીત 7 કિ.મી જેટલો થાય છે.

સૌરાષ્ટ્રના 115 મોટા ડેમો નર્મદાના પાણીથી ભરવા માટે સૌની યોજનાના ચાર રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, તે યોજનામાં પાઈપ લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 12X12 ફૂટના ડાયા મીટરવાળા મોટી સાઈઝના પાઈપ નાખવામાં આવ્યા છે. આ પાઈપ લાઈનમાં 5 હજાર હોર્સ પાવરના પંપના પ્રેસરથી પાણી પહોચાડવામાં આવે છે.

સૌની યોજનાના સેમ મોડલનો ઉપયોગ કરી સુરતની ખાડીના પાણીને ડાયવર્ટ કરવાની જરૂર છે. અંત્રોલી નજીક છેડછા ગામથી નવા રીંગ રોડ ની સાઈડમાં સૌની યોજનાનું સેમ મોડેલ કાર્યરત કરીને સુરતની ખાડી પાણીનો પ્રવાહ તાપી નદીમાં ડાયવર્ટ થઇ શકે તેમ છે.

આ યોજના બનાવવા માટે સુરત મહાનગર પાલિકા સક્ષમ છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે ખૂબજ ગંભીર છે. આ પ્રોજેક્ટ માટે યોગ્ય નિર્ણય લઈને આગળની કાર્યવાહી વહેલી તકે શરુ થાય તે જરૂરી છે. મને વિશ્વાસ છે કે, ખાડી પુરના પાણીને ડાયવર્ટ કરવા માટે સરકાર ગંભીરતાથી વિચાર અને અમલ કરી સુરતને ખાડી પુરથી મુક્તિ અપાવશે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ મથુરભાઈના પત્રના સંદર્ભમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો

બીજી તરફ સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મથુરભાઈના પત્રના સંદર્ભમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે,

સુરતને ખાડી પુરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે સુરતના સમાજ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા આપને તથા સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીને આ બાબતનો પત્ર લખવામાં આવ્યો છે. પત્રની સાથે ખાડી ડાયવર્ટ કરી શકાય તે બાબતનો પ્લાન પણ મુકવામાં આવેલ છે.

મથુરભાઈ દ્વારા લખેલ પત્ર બાબતે મને એવું લાગે છે કે, આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલ યોજના પ્રમાણે સર્વે કરી. શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ ? તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ. જેથી સુરતને વખતોવખત આવતા ખાડી પુર માંથી બચાવી શકાય તેવું મારું માનવું છે.