VIDEO: વાલિયાનું ડહેલી ગામ હજુ પણ વિકાસથી વંચિત, પૂલના અભાવે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર

પૂલની સુવિધા માટે ગ્રામજનોએ ગ્રામજનો, ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Jul 2025 05:10 PM (IST)Updated: Thu, 03 Jul 2025 05:10 PM (IST)
bharuch-news-daheli-village-of-valiya-taluka-lack-of-development
HIGHLIGHTS
  • ચોમાસામાં કીમ નદીમાં ઘોડાપૂરની સમસ્યા
  • અંતિમ સંસ્કાર માટે જીવનું જોખમ ખેડવા ગ્રામજનો લાચાર

Bharuch: વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક આંતરિયાળ ગામોમાં હજુ સુધી જોઈએ તેવી સુવિધા પહોંચી શકી નથી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના આદિવાસી વસ્તીવાળા ડહેલી ગામે વિકાસના દાવાઓ હજુ પણ કાગળ પર જ સીમિત હોય તેમ લાગી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં અહીંના લોકોની સમસ્યા વર્ષોથી યથાવત છે. પૂલના અભાવે ગ્રામજનો આજના દિવસે પણ કીમ નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે.

હકીકતમાં ડહેલી ગામે કીમ નદી પર પુલ કે નાળાની વ્યવસ્થા ન હોવાથી ગામના લોકોને મજબૂરીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે નદી પાર કરવી પડે છે. ચોમાસામાં કીમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતી હોય છે. જેના પગલે અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકો ખભા પર મૃતદેહ મૂકી નદી પસાર કરતા દ્રશ્યો સામે આવતા રહે છે.

તાજેતરમાં આવી જ સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે લોકો જીવના જોખમે ઘૂંટણ અને કમર સુધીના પાણીમાં ઊતરી અંતિમ ક્રિયા માટે નદી પાર કરતા નજરે પડ્યા હતા. આ બાબતે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ડહેલી ગામના લોકોની માંગણી છે કે તાત્કાલિક કીમ નદી પર પુલ અથવા નાળાની સુવિધા ઊભી કરવામાં આવે જેથી અંતિમ સંસ્કાર જેવી ગંભીર પ્રક્રિયા માટે લોકોના જીવ જોખમમાં ન મૂકવા પડે. વિકાસની પ્રાથમિક જરૂરિયાતો તરફ તંત્ર દૃષ્ટિ આપશે ત્યારે જ હાલાકીમાંથી રાહત મળી શકશે.