Surat: પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલની 100 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, રાત્રિ ભોજન બાદ ઝાડા-ઉલટીની ફરિયાદ

શનિવારે રાતે હોસ્ટેલમાં ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં 4થી વધુ બસોમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 13 Sep 2026 05:54 PM (IST)Updated: Sun, 13 Sep 2026 05:57 PM (IST)
surat-news-over-100-students-affected-by-food-poisoning-at-pp-savani-girls-hostel
HIGHLIGHTS
  • વાલીઓએ હોસ્ટેલમાં પીરસવામાં આવતા ફૂડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા

Surat: શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે રાતે ભોજન લીધા પછી 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી હોસ્ટેલની મેશમાં ગઈકાલે રાતે ભોજન લીધા પછી વારાફરતી વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની તકલીફ થવા લાગી હતી.

100 જેટલી વિદ્યાર્થિનીનીઓની એકસાથે તબિયલ લથડતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતુ. જે બાદ અલગ-અલગ બસોમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

બીજી તરફ આ બાબતની જાણ થતાં વાલીઓ પણ હોસ્ટેલમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોસ્ટેલની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, હોસ્ટેલમાં બપોરે વધેલું જમવાનું સાંજે ફરીથી પીરસવામાં આવતું હોવાની ફરિયાદ મળે છે.

અમે માતબર ફી ભરતા હોવા છતાં અમારા બાળકોને વાસી ખોરાક ખાવા આપવામાં આવે છે. હાલ તો અનેક વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ છે, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ સ્વસ્થ થઈ જતાં તેમને વાલીઓ પોતાની સાથે ઘરે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.


વલ્લભવિદ્યાનગરની ગર્લ્સ હોસ્ટેલમાં ફ્રૂડ સલાડ ખાધા પછી ફૂડ પોઈઝનિંગ

બે દિવસ પહેલા જ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. જેમાં હોસ્ટેલ તરફથી રાત્રિ ભોજનમાં પનીરનું શાક અને ફ્રૂટ સલાડ પીરસવામાં આવ્યું હતુ. જે આરોગ્યા બાદ 200થી વધુ વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જે પૈકી 20 જેટલી વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

બીજી તરફ આ બાબતની જાણ થતાં આરોગ્ય વિભાગે હોસ્ટેલની મેશમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ફૂડ પોઈઝનિંગનું સાચું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને પૃથ્થુકરણ માટે લેબમાં મોકલી આપ્યા છે.