Surat News: બાળકોને મોબાઇલની લત કેટલી હદે નુકસાનકારક નીવડી શકે છે, તેનું ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે. જેમાં શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીએ મોબાઈલના મળતા હતાશામાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલમાં સુરતના વરાછા સ્થિત સહજાનંદ સોસાયટી પાસે રહેતા વિજયભાઈ કુશવાહ કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 3 દીકરી અને એક દીકરો છે.
જ્યારે તેમની પત્ની પણ ઘર નજીક હોટફિક્સના ખાતામાં કામ કરીને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. તેમની 11 વર્ષની દીકરી રોલીએ વતનમાં ધો. 5 સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં તે સુરતમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
ગત શુક્રવારે માતા કામ પર ગઈ ત્યારે પુત્રને સાથે લઈ ગઈ હતી. જ્યારે ઘરે 3 બહેનો એકલી જ હતી. આ સમયે 11 વર્ષની રોલીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
થોડા સમય બાદ જ્યારે અન્ય બહેનોએ દરવાજો ખખડાવતા રોલીએ દરવાજો ખોલ્યો ન હતો. થોડા સમય બાદ જ્યારે માતા ઘરે આવી અને પાડોશીઓની મદદથી દરવાજો તોડીને જોયું તો દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી
જેથી તાત્કાલિક દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા તેને મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીએ આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે રોલીને મોબાઈલ ફોન જોવાની ટેવ હતી શુક્રવારે તેણે માતા પાસે મોબાઈલ માંગ્યો પણ માતાએ મોબાઈલ આપ્યો ન હતો અને મોબાઇલ સાથે લઈને કામ પર જતી રહી હતી. જે વાતને લઈને આવેશમાં આવીને રોલીએ આ પગલું ભરી લીધું લીધું હતું. આ મામલે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.
