Surat: લોકસભાના ઈલેકશન પહેલા રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં સુરત જિલ્લાના કલેકટરની પણ બદલી કરવામાં આવી હતી અને હવે સુરત જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારધીને નિયુક્ત કરાયા છે. આજે ડો. સૌરભ પારધીએ વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો. અને સાથે મળી સુરતના વિકાસ માટે કામો કરીશું, તેમ શુભેચ્છા પાઠવી હતી.
સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધી (IAS)એ આજરોજ તા.2જી ફેબ્રુ.એ પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર-જિલ્લા વિષે વાકેફ થયા હતા. તેમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ, વિભાગોની મુલાકાત પણ લીધી હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની ડો.સૌરભ પારધી 2011ની બેચના IAS અધિકારી છે. આ અગાઉ તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વર્ષ 2012માં ભરૂચના સુપર ન્યુમરરી આસિ. કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2013માં ધોળકાના આસિ. કલેક્ટર, 2015માં છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, 2016માં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, 2017માં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, 2018માં જૂનાગઢ કલેક્ટર, 2021માં જામનગર કલેક્ટર અને 2023માં ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચો
સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો. સૌરભ પારઘીએ પોતાનો પદભાર સંભાળતાની સાથે જણાવ્યું હતું કે, આજથી નવા કાર્યની શરૂઆત કરી રહ્યો છું. સુરત જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. આવનારા સમયમાં સુરતના સૌ નાગરિકોને સાથે મળીને સુરતના વિકાસમાં જોડાઈ અને કાર્યો કરીએ તેવી શુભેચ્છા પાઠવું છું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.