Surat: શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસના નવજાત બાળકનું અપહરણ થયું હતું. આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ઝારખંડ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે નવજાત બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું આ ઘટનામાં ચોકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની વિજેન્દરસિંહ શિવરતનસિંહ મૌર્ય હાલ સુરતમાં પોતાની પત્ની અને 3 સંતાનોના પરિવાર સાથે રહે છે અને લારી પર શાકભાજી વેચવાનું કામ કરે છે. વિજેન્દરસિંહની 27 દિવસની બાળકીને પીઠમાં ગાંઠ જેવું જણાતા તેને ગત 12 ફેબ્રુઆરીના રોજ નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડામં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તે ગાયબ થઈ ગઈ હતી.
આ મામલે વિજેન્દરસિંહે ખટોદરા પોલીસમાં પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાળકીનું અપહરણ કરનાર સૂરજકુમાર શ્યામરાજ મહેતાને ઝારખંડથી ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી સૂરજ મહેતા પણ ઝારખંડનો જ વતની છે, જે ફરિયાદીની સાથે જ રહેતો હતો. સૂરજની વિજેન્દરસિંહની પત્ની પર ખરાબ નજર હતી, જે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાનું કહેતો હતો. જ્યારે બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, ત્યારે સૂરજ પણ તેની બાળકીની માતા સાથે હોસ્પિટલમાં રોકાતો હતો. જ્યાં તેણે ફરીથી બાળકીની માતાને પોતાની સાથે ભાગી જવા જણાવ્યું હતુ, પરંતુ માતાએ ઈનકાર કરતાં તે બાળકીને હોસ્પિટલના વોર્ડમાંથી લઈને ઝારખંડ ભાગી છૂટ્યો હતો.
આ મામલે DCP વિજય ગુર્જરે જણાવ્યું કે, આરોપી સૂરજકુમાર શ્યામરાજ મહેતા છે, ઝારખંડના પલામુ નો રહેવાસી છે. અમે ટીમ બનાવીને ત્યાં મોકલી હતી. અહીંયાથી ફૂટેજ ચેક કર્યા હતા, રેલ્વે સ્ટેશન અને જે જગ્યાએ તેણે એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા તેના પણ ફૂટેજ ચેક કર્યા હતા અને બાદમાં સતત તેને ફોલો કર્યો હતો.
આ દરમ્યાન ઝારખંડમાં તેના બહેનના સાસરિયાઓને ત્યાંથી બાળકી સાથે મળી આવ્યો હતો. તેને ત્યાં કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્જિસ્ટ રિમાન્ડ મેળવીને સુરત લાવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે.
આ બનાવમાં બાળકીની માતાની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેની કોઈ આમાં સંડોવણી છે કે કેમ અને આરોપી હોસ્પિટલમાં કેમ સાથે રહેતો હતો અને કેમ કન્વેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો? તો તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. જ્યાર બાળકીને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
