સુરતના અલથાણ-વેસુ રોડ પર ડમ્પરે મોપેડ સવાર બે સગી બહેનોને અડફેટે લીધી: એકનું કરૂણ મોત

સુરતના અલથાણ-વેસુ રોડ પર ડમ્પરની ટક્કરે મોપેડ સવાર બે સગી બહેનો અકસ્માતનો ભોગ બની. ડમ્પર નીચે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 12:25 PM (IST)Updated: Sat, 17 Oct 2026 12:25 PM (IST)
surat-althan-vesu-road-dumper-moped-accident-girl-death

Surat Accident News: સુરતના અલથાણ વેસુ રોડ પર અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. આ ગંભીર દુર્ઘટનામાં મોપેડ પર જતી બે સગી બહેનોને ડમ્પર ચાલકે અડફેટે લેતા, એક બહેનન ડમ્પર નીચે આવી ગઈ હતી. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ડમ્પર ચાલકે સર્જ્યો કરુણ અકસ્માત

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વેસુ રોડ પર ડમ્પર ચાલકે મોપેડ સવાર બે સગી બહેનોને અડફેટે લીધી હતી. જેમાં નાની બહેન નેહા ખરવારને પગ અને શરીરે ગંભીર ઈજા થઇ હતી અને તેને હોસ્પિટલ લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થયું. જ્યારે મોટી બહેન નિક્કી ખરવાર ઇજાગ્રસ્ત થઈ હતી.

એક બહેનનું સારવાર દરમિયાન મોત

પરિવારના સભ્ય રાકેશકુમારે જણાવ્યું હતું કે, મારી બહેન પેટ્રોલ પુરાવવા માટે ગઈ હતી. જ્યારે તેઓ પેટ્રોલ ભરાવીને પરત આવી રહી હતી. તે દરમિયાન ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેથી એક બહેનને માથા અને પગમાં ઈજા થઇ. બીજી બહેન ડમ્પરની નીચે આવી ગઈ. તેનો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આવા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

શું કહ્યું પરિવારના સભ્યોએ?

પ્રશાંતનાથે જણાવ્યું હતું કે, આ ઘટના વેસુ શ્યામ મંદિર પાસે બની હતી. પેટ્રોલપંપથી પાછા આવતી વખતે ડમ્પરે મોપેડ સવાર બહેનોને અડફેટે લીધી હતી જેમાં બંને સગી બહેનો પૈકી એક સગી બહેન ડમ્પરની નીચે આવી ગઈ હતી, મોટી બહેનની ઉમર 24 વર્ષ હતી અને તે અપરણિત હતી.

તેને પ્રાઈવેટ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અને ત્યાંથી ફરી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, તેના પિતા ઓટો રીક્ષા ચલાવે છે જયારે માતા એમ્બ્રોડરીમાં નોકરી કરે છે, અમને ન્યાય મળે તેવી અમારી માંગ છે, આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.