Surat: હાલમાં નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બારડોલીના એના ગામે આયોજિત નવરાત્રિમાં ગુજરાતી અને બૉલિવૂડની જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલા ખાસ હાજર રહી હતી. જાનકી બોડીવાલાએ ખેલૈયાઓ સાથે સેલ્ફી લીધી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
હાલમાં માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહી છે. રાત પડતા જ શેરી મહોલ્લા અને મોટા મોટા ડોમમાં રમઝટ જામે છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે, ત્યારે બારડોલી સ્થિત એના ગામે એના ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ ઉત્સવમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જાનકી બોડીવાલાની એન્ટ્રી થતાં જ ખેલૈયાઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. અભિનેત્રીએ પોતાના ચાહકોનું અભિવાદન કર્યું હતું. તેમણે ખેલૈયાઓ સાથે સેલ્ફી લીધી હતી તેમજ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા. જાનકી બોડીવાલાની હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
અહીં મેં પેટ ભરીને ખાધું, સુરતે મને મજા કરાવી દીધી: જાનકી બોડીવાલા
સુરતના ભોજન વિશે પૂછવામાં આવતા જાનકી બોડીવાલાએ હસતા-હસતા જણાવ્યું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ ખૂબ જ પ્રખ્યાત છે. મને સુરતમાં ક્યાં કૉફી પીવી અને ક્યાં પરાઠા ખાવા તે બધી જ ખબર છે. આથી મેં અહીં પેટ ભરીને ખાધુ છે. આમ સુરતે મને મજા જ કરાવી દીધી
પોતાની કારકિર્દીના દસ વર્ષ પૂરા થવા અંગે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે નવેમ્બરમાં તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દસ વર્ષ થશે. આ દસ વર્ષમાં ગુજરાતી ફિલ્મોને જે પ્રેમ મળ્યો છે તે બદલ તેમણે દર્શકોનો આભાર માન્યો. તેમણે આશા વ્યક્ત કરી કે જો દર્શકોનો આવો જ પ્રેમ મળતો રહેશે તો જે રીતે ગુજરાતી ફિલ્મોનો ડંકો દેશભરમાં વાગી રહ્યો છે, તે જ રીતે તે દુનિયાભરમાં પણ વાગશે.
વધુમાં અભિનેત્રીએ જણાવ્યું કે, જે આપણા જૂના ગીતો છે, તેના વિના આપણી સંસ્કૃતિ અધૂરી જ છે. આજની જનરેશન જે પ્રમાણે આપણા જૂના ગીતો પર ડાન્સ કરે છે. આપણા જૂના ગરબાને માણે છે, તે જોઈને લાગે છે કે, આપણી સંસ્કૃતિ ક્યારેય નહીં ભૂલાય
આગામી 10 નવેમ્બરના રોજ મને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પૂરા થઈ જશે. આ ઈન્ડસ્ટ્રીઝે અને ઑડિયન્સે મને જે પ્રેમ આપ્યો છે, તે રીતે મને અપનાતા રહેશે. આજે દેશભરમાં ડંકો વાગી જ ગયો છે અને હવે આપણા ગુજરાતી પિક્ચરનો દુનિયાભરમાં ડંકો વાગશે. તમારા પ્રેમ અને પ્રતિસાદના કારણે જ આજે અમે અહીંયા ઉભા છીએ.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ 'વશ'માં તેના દમદાર અભિનય બદલ નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. આ માટે જાનકીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
