Ahmedabad: IPS મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીએ માઁ જગદંબાની આરતી ઉતારી, અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી

પોરબંદરની મંડળી દ્વારા મણિયારો અને ઢાલ-તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આણંદના યુવાનો દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Sep 2025 11:04 PM (IST)Updated: Thu, 25 Sep 2025 11:04 PM (IST)
ahmedabad-news-chief-minister-of-gujarat-attend-navratri-mahotsav-at-ips-mess
HIGHLIGHTS
  • ગુજરાતના પોલીસ વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા
  • નિરાધાર વરિષ્ઠ વડીલોની પડખે સરકાર હંમેશા ઊભી રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ માઁ અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારી કે. એન એલ. રાવ, મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએસ અધિકારીઓ પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે જાણીતા કલાકાર ભરત બારિયા અને તેમના વૃંદ દ્વારા આરતી સાથે નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પોરબંદરની મંડળી દ્વારા મણિયારો અને ઢાલ-તલવાર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આણંદના યુવાનો દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.

naidunia_image

નિરાધાર વરિષ્ઠ વડીલોની પડખે સરકાર હંમેશા ઊભી રહેશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડતાં તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિનાવિલંબે ભરણપોષણની રકમ સુનિશ્ચિત રીતે મળે તેવો આદેશ કર્યો હતો.

naidunia_image

મુખ્યમંત્રીએ આ વેળાએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, દરેક નાગરિકના પ્રશ્નો પ્રત્યે સરકાર સંવેદનશીલ છે. એમાંય સિનિયર સિટિઝન્સ સમાજનું ગૌરવ છે અને તેમના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.

વધુમાં તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓએ જનસામાન્યની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવા તેમજ વંચિત, પીડિત અને વૃદ્ધ નાગરિકોની અરજીઓને પ્રાથમિકતા સાથે નિરાકરણ કરવા માટે તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના 7 જેટલા ખેડૂતોના ખેતરની માપણી અને સંપાદનના વળતર અંગે યોગ્ય ન્યાય મળે તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને ખેડૂતો પ્રત્યે સંવેદનાનું પણ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

25 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરના 115 કરતા વધુ અરજદારો હાજર રહ્યા હતા તેમાંથી 14 જેટલા અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. આ ઉપરાંત બાકી અરજીઓ અંગે સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન જિલ્લામાં યોજાયેલા 1321 અને તાલુકા સ્તરે યોજાયેલા 2616 સ્વાગત કાર્યક્રમોમાં મળેલી અરજીઓ અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.