Surat: મનપાના આરોગ્ય વિભાગની સઘન સફાઈ ઝૂંબેશઃ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1962 સફાઈ કામદારોનો કાફલો કામે લાગ્યો

આરોગ્ય વિભાગના 228 સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ 94.67 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરી, 5038 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Jun 2025 04:53 PM (IST)Updated: Wed, 25 Jun 2025 05:13 PM (IST)
surat-news-municipal-health-departments-cleaning-campaign
HIGHLIGHTS
  • 10 JCB, 27 ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ

Surat: સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ : 1962 સફાઈ કામદારો 10 JCB, 27 ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે શહેરના વરાછા ઝોન-એ ના સણીયા હેમાદ, પુણા, કાપોદ્રા, વરાછા ઝોન-બી ના સરથાણા, સીમાડા, રાંદેર ઝોનના પાલનપુર અને પાલ, કતારગામ ઝોનના કતારગામ, ડભોલી, છાપરાભાઠા, ઉધના ઝોન-એ ના ઉધના સંઘ, સોનલ ભેદવાડ, મીરાનગર, ઉધના ઝોન-બી ના કનસાડ ગામ, લિંબાયત ઝોનના મીઠી ખાડી, આંજણા, ઉમરવાડા, પરવત તેમજ અઠવા ઝોનના રસુલાબાદના વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસરતા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના 228 સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવિઝન હેઠળ 1962 સફાઈ કામદારો 10 JCB, 27 ટ્રક વડે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 94.67 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરી, 5038 કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

naidunia_image

અસરગ્રસ્ત વિસ્તારો તથા શેલ્ટર હોમમાં 48 રેપિડ રિસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 160 સર્વેલન્સ વર્કર દ્વારા 29,046 વસ્તીનો સર્વે કરી 13,636 કલોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. તેમજ તાવના 36, ઝાડા-ઉલટી 10 અને અન્ય 109 દર્દી મળી કુલ 155 લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. તેમજ આ વિસ્તારોમાં આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવુ કલોરીનયુકત પાણી પીવાની સમજણ અપાઈ હતી.