Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનારા 3 હવસખોરો પૈકી 2ને ગઈકાલે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન આજે એક આરોપીનું તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં સગીરા તેના મિત્ર સાથે ઉભી હતી. આ દરમ્યાન બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને માર મારી તેમજ ધમકીઓ આપી સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. જેમની ઓળખ મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન (40) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા (45) તરીકે થઈ હતી. જે પૈકી આજે બપોર બાદ આરોપી શિવશંકરને તબિયલ લથડી હતી. જેમાં શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આરોપી શિવશંકર ચોરસિયા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ અમીરગઢ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તેમજ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જયારે કરજણ પોલીસ મથકમાં પણ એક ગુનો તેની સામે નોંધાયેલો છે. હજુ આ ગુનામાં એક આરોપી ફરાર હોવાથી તેની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.
